બર્મિંગહામ યુનિવર્સિટીએ ભગવાન ધર્મનાથ જૈન સ્ટડીઝનો અભ્યાસક્રમ નવી ટર્મથી શરૂ કરવાના ભાગરૂપે ત્રણ વિદ્વાનની ટીમની નિયુક્તિ કરી છે. જેમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે
ડો. આરેટી થઇઓફીલોપોલુની, જીતેશ શેઠ અને ડો. મેરી હેલન ગોરીસની આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિયુક્તિ કરાઇ છે. જેઓ સપ્ટેમ્બરથી નવો હોદ્દો સંભાળશે.
સમકાલીન સમસ્યાઓના સમાધાન માટે અહિંસા, શાંતિ, પર્યાવરણ, સંઘર્ષ નિરાકરણ, ઇકોલોજી, પ્રાણીઓના હક્કો, થીઓલોજી, રીલીજીયસ ક્ષેત્રે જૈન ધર્મના મૂલ્યોનું પ્રદાન એના શિક્ષણ અને સંશોધનથી ભાવિ વિશ્વના ઘડતરમાં ફાળો રહેશે.
ડો. આરેટીએ પોતાની નિમણૂંક માટે કહ્યું હતું કે, “જૈન ધર્મના મૂળ સિધ્ધાંત ‘અહિંસા’ના શિક્ષણની અસર વ્યક્તિગત, સામાજિક અને પર્યાવરણીય હિતમાં થશે. જે મારી શૈક્ષણિક કારકિર્દી માટે સુયોગ્ય છે. ‘અહિંસા’ના મૂલ્યોની સમજ અને ઊંડાણની આપ-લે વિદ્યાર્થીઓ અને વિદ્વાનો સાથે કરવા હું ઉત્સુક છું.’
ડો. મેરી બર્મિંગહામ યુનિવર્સિટીમાં સ્કુલ ઓફ ફિલોસોફી, થીઓલોજી અને રીસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતાં હતાં. નવી નિમણૂંકથી આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘એકેડેમીક અને જૈન કોમ્યુનિટી સાથે વૈશ્વિક સ્તરે સંવાદ સાધવામાં હું સાધનરુપ બનીશ એનું મને ગૌરવ છે.’
જીતેશ શેઠ, જેઓ મુંબઇ યુનિવર્સિટીના ફીલોસોફી ડીપાર્ટમેન્ટમાં ‘અ ક્રીએટીવ સ્ટડીઝ ઇન અનેકાન્તવાદ’ વિષય પર પીએચ.ડી. પૂર્ણ કરવાના આરે છે. તેઓ પોસ્ટ ડોક્ટરેટ રીસર્ચ ફેલો તરીકે ફરજ બજાવશે. આ નવી નિમણૂંક અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘મને ફીલોસોફી, થીઓલોજી, રીલીજીયસ અને જૈન સ્ટડીઝ ક્ષેત્રોમાં વધારાના રીસર્ચમાં વિદ્વાનો સાથે સંલગ્ન થવાની મોટી તક સાંપડી છે.’
ડીસેમ્બર ૨૦૨૨માં બર્મિંગહામ યુનિવર્સિટીએ જૈન સ્ટડીઝ શરુ કરવાનું જાહેર કર્યું હતું અને યુનિવર્સિટીને દાતાગૃપ તરફથી $ ૧.૫ મિલિયન મળ્યાં હતાં જેમાં યુએસના ડો. જશવંત મોદી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના શ્રી નેમુ ચંદરિયા OBE તથા યુકેના દાતાઓનો સમાવેશ થાય છે.
દાતા ડો. મોદીએ સગર્વ કહ્યું હતું કે, ‘યુનિવર્સિટી ઓફ બર્મિંગહામે જૈનીઝમના શિક્ષણ અને રીસર્ચ માટે સ્કોલર્સની નવી ટીમ નીમવાનું ઐતિહાસિક પગલું ભર્યું એનું મને ખરેખર ખૂબ જ ગૌરવ છે. જેઓ પોતે જૈનીઝમના સિધ્ધાંતો અને ફિલોસોફી સમજી એનું શિક્ષણ અને સંશોધનના માધ્યમથી વિશ્વભરમાં પ્રચારની નૈતિક જવાબદારી સ્વીકારી એનું નેતૃત્વ લેવાની કટિબધ્ધતા દાખવી છે.
સૌ સાથે મળી સમાજમાં દયા-કરૂણાનું ઊંડાણ સમજી એના અમલથી, અહિંસા અને મૈત્રીભર્યા સહઅસ્તિત્વથી સંવેદનશીલ અને ટકાઉ વિશ્વ સર્જી પરિવર્તન લાવવાના પ્રયાસમાં સફળતાને વરીશું’ યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના સ્કુલ ઓફ ફિલોસોફી, થીઓલોજી અને રિલીજીયસના હેડ પ્રો. શાર્લોટે નવી ટીમને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, ‘બર્મિંગહામમાં જૈન સ્ટડીઝનો અભ્યાસ અને સંશોધન અમારા વિદ્યાર્થી માત્ર માટે જ લાભદાયી નથી પરંતુ એકેડેમીક કોમ્યુનિટી માટે અને જનતાના જ્ઞાનમાં પણ વધારો કરશે..હું આ જૈનીઝમના રોકાણના મીઠાં ફળ ક્લાસરૂમ કે સંશોધન પૂરતાં જ મર્યાદિત ન રહેતા જે હયાત સમસ્યાઓનો આપણે ભોગ બન્યા છે એમાં પણ શીતળ મલમનું કામ કરે એમ ઇચ્છું છું.’

