નવી દિલ્હીઃ અનામતને લઈને મણિપુરમાં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. તેને લઈને સુરક્ષા દળો અને પોલીસે રવિવારે રાજ્યના 7 જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર મણિપુર પોલીસ અને સુરક્ષા દળોએ હિંસા ફેલાવનારા લોકોનાં 12 બંકર નષ્ટ કરી નાખ્યાં છે. સુરક્ષા દળોએ તામેંગલોંગ, ઇમ્ફાલ ઈસ્ટ, બિષ્ણુપુર, કાંગપોકપી, ચુરાચંદપુર અને કાકચિંગ જિલ્લામાં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને પર્વતીય અને ખીણ બંને વિસ્તારોમાં બનેલાં આ બંકરોનો નાશ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન સાહુમફાઈ ગામના ખેતરમાંથી ત્રણ 51 એમએમ મોર્ટાર અને 84 એમએમ મોર્ટાર શેલ મળી આવ્યા હતા.
ઇમ્ફાલ પૂર્વના આઇથમ ગામમાં સેનાના સર્ચ ઓપરેશનમાં પકડાયે લા પ્રતિબંધિત સંગઠન કેવાયકેએલના 12 ઉગ્રવાદીઓને આશરે દોઢ હજાર મહિલાઓની ભીડના વિરોધના કારણે છોડી દેવાની ફરજ પડી હતી. કેવાયકેએલ મૈતેઇ સમુદાય સાથે જોડાયેલું સંગઠન છે. આ ઉગ્રવાદીઓ 2015માં 18 જવાનોનાં મોત માટે જવાબદાર છૂપા હુમલાના માસ્ટરમાઇન્ડ સાથે સામેલ હતા.

