મૂસેવાલાની હત્યા કરાવી, સલમાનને પણ મારી નાખીશઃ ગોલ્ડી

Wednesday 28th June 2023 07:39 EDT
 
 

નવીદિલ્હીઃ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે કબૂલાત કરી હતી કે તેણે જ સિદ્ધુ મૂસેવાલાને મરાવ્યો હતો અને હવે સલમાન ખાન તેના નિશાના પર છે. કુખ્યાત ગેંગસ્ટર સતવિન્દર સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે, જ્યારે તેને સમય મળશે ત્યારે તે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને પણ મારી નાખશે. કેનેડિયન પોલીસે ગોલ્ડી બ્રાર પર ઇનામ રાખ્યું છે અને ઇન્ટરપોલ પોલીસે તેની વિરુદ્ધ રેડકોર્નર નોટિસ જારી કરેલી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યાની કબૂલાત કરતાં ગોલ્ડી બ્રારે એક ટીવી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તેણે આ ખૂબ જ સમજી વિચારીને કર્યું હતું. આ માટે ગમે તેટલું બલિદાન આપવા માટે અમે તૈયાર છીએ, પરંતુ જે જરૂરી હતું તે અમે કર્યું છે. મૂસેવાલાની હત્યા પાછળનું કારણ જણાવતાં ગોલ્ડી બ્રારે કહ્યું, ‘તે ખૂબ જ ઘમંડી અને બદમિજાજ હતો. તેની પાસે જરૂર કરતાં વધારે પૈસા ઉપરાંત રાજકીય સત્તા અને પોલીસમાં પહોંચ હતી, જેનો તે દુરુપયોગ કરતો હતો. તેને પાઠ ભણાવવો જરૂરી બની ગયું હતું. ગોલ્ડી બ્રારે વધુમાં કહ્યું કે, ‘તેણે અમારું વ્યક્તિગત નુકસાન કર્યું હતું, કેટલીક એવી ભૂલો કરી છે જે માફીને પાત્ર નહોતી.
ગોલ્ડી બ્રારે કહ્યું કે, ‘ઘણા દિવસોથી મીડિયામાં એ વાત ચાલી રહી છે કે અમારું દાઉદ ઈબ્રાહીમ સાથે ગઠબંધન છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે દેશમાં બોમ્બ વિસ્ફોટ કરનારાઓ સાથે અમારી કોઈ મિત્રતા નથી.
અભિનેતા સલમાન ખાન માટે ગોલ્ડી બ્રારે કહ્યું હતું કે, અમે તેને ચોક્કસ મારી નાખીશું. લોરેન્સે તેને માફી માગવાનું કહ્યું હતું, પરંતુ તેણે એમ નથી કર્યું. મેં અગાઉ પણ કહ્યું હતું કે, વાત માત્ર સલમાન ખાનની જ નથી. જે કોઈ અમારો દુશ્મન હશે અમે તેને પણ મારી નાખીશું. સલમાન ખાન અમારો ટાર્ગેટ છે. ઉલ્લેખનીય છે કે, અભિનેતા સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળેલી ધમકી બાદ તેની સુરક્ષામાં વધારો કરાયો છે.


comments powered by Disqus