બાયડઃ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વતની એવા એક પ્રાથમિક શિક્ષકે બનાવેલી શોર્ટ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે નોમિનેશન મેળવી ન માત્ર જિલ્લાનું બલકે ગુજરાતનું ગૌરવ પણ વધાર્યું છે. હિન્દી ભાષામાં બનેલી 35 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં દીકરીનાં લગ્ન માટે સંઘર્ષ કરતા એક પિતાની કહાનીને કેમેરામાં કંડારવામાં આવી છે.
નવિશ્તા નામની આ શોર્ટ ફિલ્મના નિર્માતા અને નિર્દેશક 37 વર્ષીય પ્રાથમિક શિક્ષક સત્યમ ગોવિંદભાઈ પટેલ બાયડના નવી વાસણી ગામે રહે છે અને ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાની પ્રાથમિક શાળામાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી વિષય ભણાવે છે. હાલમાં તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે પીએચડી કરી રહ્યા છે. પીએચડીમાં હિન્દી સિનેમાની થીસિસના ભાગરૂપે તેમણે આ શોર્ટ ફિલ્મ બનાવી છે. ફિલ્મનું નિર્દેશન અને નિર્માણકાર્ય સત્યમ પટેલે પોતે સંભાળ્યું છે. ખૂબ જ ટાંચા સ્ત્રોત અને મોટા ખર્ચ વિના 35 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર થઈ છે.
નવિશ્તાનો અર્થ થાય છે લખાયેલું ભાગ્ય. આ ફિલ્મમાં પિતાનો રોલ દહેગામ કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત્ નાગસેન શ્રીમાળીએ, જ્યારે દીકરીનું પાત્ર પીએચડી કરતાં અન્ય એક વિદ્યાર્થિની ઇલા રાવલે ભજવ્યું છે.

