ગાંધીનગરઃ રાજ્યમાં આગળ વધી રહેલા ચોમાસાએ ધમાકેદાર વરસીને દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યા છે. દક્ષિણ ગુજરાતના ઉંમરગામમાં સોમવારે 121 મિ.મી. વરસાદ પડવા સાથે 36 કલાકમાં 262 મિ.મી. વરસાદ નોંધાયો હતો. સોમવારે દિવસ દરમિયાન ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 111 મિ.મી. અને નડિયાદમાં 110 મિ.મી. વરસાદ નોંધાયો હતો. નડિયાદ શહેરમાં ચાર કલાકમાં જ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની ધમાકેદાર પ્રારંભથી તંત્રની પોલ ખૂલી ગઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વડોદરામાં ચાર ઇંચ, મોરબીમાં 3.5 ઇંચ, ઘોઘામાં 3 ઇંચ, વાપીમાં અઢી ઇંચ, ભાવનગર, ધંધૂકા, આણંદ, ભરૂચ, સાયલા, ભેંસાણ, બરવાળા, વેરાવળ, ધોરાજીમાં બે-બે ઇંચ, બોરસદમાં દોઢ ઇંચ તેમજ માંગરોળ (સુરત), કપરાડા તાલુકામાં 1.25ઇંચ, ઉમરેઠ, ખંભાત અને પારડી તાલુકામાં 1 ઇંચ જ્યારે વલસાડ અને ધરમપુર તાલુકામાં લગભગ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદ, મોરબી, ઉમરગામ અને વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

