રાજ્યસભાની 24 જુલાઈએ ચૂંટણીઃ એસ.જયશંકર થઈ શકે રિપીટ

Wednesday 28th June 2023 06:05 EDT
 
 

નવી દિલ્હીઃ દેશની 10 રાજ્યસભા બેઠક પર સાંસદોનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, જેને લઈને કેન્દ્રીય ચૂંટણીપંચે 24 જુલાઈએ ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં વિદેશમંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ સિવાય દેશભરની અન્ય 7 રાજ્યસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતની 3, પશ્ચિમ બંગાળની 6 અને ગોવાની એક બેઠક પર ચૂંટણી યોજાશે.
ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ વખતે આ ત્રણ બેઠકો પૈકી બે બેઠક પર ભાજપ ચહેરા બદલે તેવી પ્રબળ શક્યતા છે. ભાજપ વિદેશમંત્રી એસ.જયશંકરને રિપીટ કરી શકે છે, તો જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયા ડ્રોપ થઈ શકે છે. ચૂંટણી માટે નામાંકનની તારીખ 13 જુલાઈ રહેશે.
કોનો કાર્યકાળ ક્યારે પૂર્ણ?
પશ્ચિમ બંગાળમાં ડેરેક ઓબ્રાયન, ડોલા સેન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુસ્મિતા દેવ, શાંતા છેત્રી અને સુખેન્દુ શેખરનો કાર્યકાળ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. જ્યારે ગુજરાતમાં એસ. જયશંકર, દિનેશ અનાવડિયા અને જુગલજી ઠાકોરનો કાર્યકાળ પણ 18 ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. આ સિવાય ગોવાના વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે.
ગુજરાતમાં લોકસભા-2024 પહેલાં રાજ્યસભાની 4 બેઠક ખાલી થશે
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાશે, ત્યારે સંભવતઃ તે પહેલાં 2 એપ્રિલે રાજ્યસભાની વધુ 4 બેઠક ખાલી થશે, જેમાં કોંગ્રેસની કુલ 3 પૈકી બે બેઠકો પણ સામેલ છે. 2 એપ્રિલ 2024ના રોજ ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની ટર્મ પૂરી થઈ રહી છે. તો કોંગ્રેસનાં અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાની બેઠક પર ખાલી થઈ રહી છે. જો કે ત્રીજી રાજ્યસભા સીટ પર આરૂઢ શક્તિસિંહ ગોહિલની બેઠક 21 જૂન 2026 સુધી યથાવત્ જ રહેશે.


comments powered by Disqus