અમરેલીઃ લાઠી તાલુકાના જરખિયા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ચોવટિયા 30 વીઘા જમીનમાં ઓર્ગેનિક ખેતી તો કરી જ રહ્યા છે, તેની સાથેસાથે ગાયના છાણમાંથી 20 જેટલી વસ્તુઓ બનાવી સારી એવી રોજગારી પણ મેળવી રહ્યા છે. તેઓએ ગોબરમાળા, કીચેઇન, મૂર્તિ, કુંડા, તોરણ, રાખડી, દીપક, પંચગવ્ય સાબુ, ધૂપ, દંતમંજન, ગોનાઇલ, શોપીસ સહિતની વસ્તુઓ ઘરે જ બનાવે છે.
તેઓ સુરત, રાજકોટ, અમદાવાદમાં સરકારી પ્રદર્શન કે આયોજન હોય ત્યાં સ્ટોલ ઊભો કરે છે અને ગાયના છાણમાંથી બનાવેલી આ વસ્તુઓનું વેચાણ કરી સારી એવી રોજગારી મેળવે છે. તાજેતરમાં જ રાજકોટ અને સુરતમાં સ્ટોલ કરી 70 હજારની આવક મેળવી હતી.
ભરતભાઈએ જણાવ્યું હતું કે, ગાયના છાણમાંથી બનાવેલી વસ્તુઓ લોકો ખરીદી રહ્યા છે. હવે તો લોકો ઘરેબેઠાં પણ પોતાને મનગમતી વસ્તુઓ ઓર્ડર કરે છે.

