લોકસભામાં પ્રધાનમંત્રી મોદીને હરાવવા 17 પક્ષોનું મહાગઠબંધન

Wednesday 28th June 2023 07:32 EDT
 
 

પટનાઃ દેશના 17 વિરોધ પક્ષોએ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડવાનો સંયુક્ત નિર્ણય લીધો છે. પોતપોતાના મતભેદોને કોરાણે મૂકીને તેઓ પરિવર્તનશીલતા સાથે ભાજપને હરાવવા એક થઈ રહ્યા છે. ચાર કલાક લાંબી બેઠકને અંતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે કહ્યું હતું કે, સાથે મળીને ભાજપ સામે લડવાની રણનીતિ ઘડવા તેઓ આગામી દિવસોમાં ફરી બેઠક યોજશે. અમારી બેઠક સારી રહી હતી, જેમાં કેટલાક નેતાઓએ તેમના વિચારો રજૂ કર્યા હતા. 17 વિરોધપક્ષોએ સાથે મળીને કામ કરવા અને લોકસભાની ચૂંટણી લડવા નિર્ણય કર્યો છે.
બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, તમામ પક્ષોની વિચારધારા અલગઅલગ છે, છતાં મતભેદોને દૂર રાખી સાથે મળીને કામ કરીશું. નીતિશકુમારે કહ્યું કે, અમે દેશના હિતમાં કામ કરી રહ્યા છીએ. ભાજપ દેશહિત વિરોધી કાર્યો કરી રહ્યું છે અને દેશનો ઇતિહાસ બદલવા પ્રયાસો કરે છે.
અમે કોમન એજન્ડા ઘડીશું
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, અમે કોમન એજન્ડા ઘડી સાથે મળીને ચૂંટણી લડીશું. કેવી રીતે આગળ વધવું તેની રણનીતિ ઘડાશે. અમે દરેક રાજ્ય માટે અલગ પ્લાન ઘડીશું અને કેન્દ્રમાંથી ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકીશું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આવનારી મીટિંગ 12 જુલાઈએ મળશે.
ભાજપનો પ્રહારઃ કોંગ્રેસને સહારાની જરૂર
પટણામાં વિપક્ષોની બેઠકને ભાજપે ફોટો સેશન ગણાવી હતી. કોંગ્રેસ એકલા હાથે ભાજપને હરાવી શકશે નહીં તે પુરવાર થયું છે. કોંગ્રેસને સહારાની જરૂર છે.
બેઠકમાં સામેલ વિપક્ષ દેશમાં કેટલો મજબૂત
પટણાની વિપક્ષની બેઠકમાં જે 15 પક્ષ એકઠા થયા હતા તેઓની દેશમાં સ્થિતિ કેટલી મજબૂત છે તે આંકડા સાથે સમજીએ, આ 15 પક્ષોના લોકસભામાં 137 સાંસદો છે જે કુલ સાંસદોના 25 ટકા છે. તેવી જ રીતે રાજ્યસભામાં 97 સાંસદો છે જે કુલ સાંસદોના 38 ટકા છે. વિધાનસભાઓ પર નજર કરીએ તો દેશમાં આ 15 પક્ષોના મળીને 1722 ધારાસભ્યો છે, જે કુલ ધારાસભ્યોના 42 ટકા થાય છે. આ પક્ષો દેશનાં 11 રાજ્યોમાં સત્તા પર છે.


comments powered by Disqus