સરોગસી દ્વારા સિંગલ ફાધર બનેલા સુરતના પ્રિતેશ દવે

Wednesday 28th June 2023 06:05 EDT
 
 

સુરત : સુરતના 37 વર્ષીય પ્રિતેશ દવે બે જોડિયા બાળકો (પુત્ર અને પુત્રી)ના અનોખા પિતા છે, જે ગયા વર્ષની શરૂઆતમાં સરોગસી દ્વારા જોડિયાં બાળકોના સિંગલ પેરેન્ટ બન્યા હતા.
બાવીસી ફર્ટિલીટી ઈન્સ્ટિટ્યુટના વંધ્યત્વ નિષ્ણાત ડો.પાર્થ બાવીશીએ જણાવ્યું હતું કે, પ્રિતેશ દવે એવા કેટલાક છેલ્લા પુરુષો પૈકી એક છે, જેઓ નવો સરોગસી કાયદો અમલમાં આવ્યાના મહિનાઓ પહેલાં પિતા બની ગયા છે. તેમણે કહ્યું, નવા નિયમો મુજબ હવે સિંગલ પુરુષ, મહિલા, લીવઇનમાં રહેતાં યુગલો અને સમલૈંગિક યુગલો માટે સરોગસીની મંજૂરી નથી.
પ્રિતેશ દવે કહે છે કે, હું નસીબદાર છું કારણ કે હવે મારા જેવા જીવનસાથી વિનાના લોકો સરોગસી માટે લાયક નથી. પ્રિતેશ દવે કુંવારા છે. તેમનાં માતા-પિતા સુરત રહે છે અને તેઓ ભાવનગરમાં રહે છે. ભાવનગરમાં તેઓ રાષ્ટ્રીયકૃત બેન્ક માટે ગ્રાહક સેવા કેન્દ્ર ચલાવે છે.
ધોરણ-12 સુધી ભણેલા પ્રિતેશભાઈ દવેએ જણાવ્યું હતું કે, તેમના સમુદાયમાં એવા ઘણા પુરુષો છે જેમને લગ્ન કરવા છોકરી મળતી નથી, કારણ કે યુવતીઓનાં માતા-પિતા સરકારી નોકરીવાળા યુવાનો જ પસંદ કરે છે. અમારી પાસે જમીન અને સંપત્તિ છે, પરંતુ તે મહત્ત્વનું નથી.
પુત્ર ધૈર્ય અને પુત્રી દિવ્યાના આવવાથી હવે તેમને તેના માટે સમય આપવો પડે છે. લગ્ન માટે કોઈ છોકરીએ હા પાડી નહીં ત્યારે મારાં માતા-પિતા નિરાશ થઈ ગયાં હતાં. જો કે જોડિયા બાળકોના આગમને અમારા ઘરને આનંદથી ભરી દીધું છે. તેમણે કહ્યું કે, તેમનાં માતા તેનાં બાળકોને ઉછેરવામાં આધારસ્તંભ રહ્યાં છે. મારે કોઈ જીવનસાથી નથી, પરંતુ હવે મારી પાસે પરિવાર છે. આ સૌથી મોટો આશીર્વાદ છે. વંધ્યત્વ નિષ્ણાત ડો. જાનકી બાવીશીએ જણાવ્યું હતું કે, બોલિવૂડના કરણ જોહર અને તુષાર કપૂર સરોગસી દ્વારા સિંગલ ફાધર બન્યા બાદ ઘણા સિંગલ પુરુષો તેમ કરવા વિચારી રહ્યા હતા, પરંતુ નવા કાયદાઓના કારણે હવે કોઈ સિંગલ પેરેન્ટ બની શકશે નહીં.


comments powered by Disqus