સુરતનો લેબગ્રોન ડાયમંડ વ્હાઇટ હાઉસમાં

Wednesday 28th June 2023 06:40 EDT
 
 

સુરતઃ ડાયમંડ સિટી સુરત ફરી એક વખત ચર્ચામાં છે. સુરતની લેબમાં તૈયાર થતા ડાયમંડની વિશ્વભરમાં ખૂબ જ માગ જોવા મળી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકાની ફર્સ્ટ લેડીને ગ્રીન લેબગ્રોન ડાયમંડ ગિફ્ટમાં આપવામાં આવ્યો છે એ સુરતની લેબમાં તૈયાર થયેલો ખાસ ડાયમંડ છે.
સુરતમાં રિયલ ડાયમંડની સાથે લેબગ્રોન ડાયમંડની પણ માગ વધી છે. લેબગ્રોન ડાયમંડને ઇકો ફ્રેન્ડલી ડાયમંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ડાયમંડ વૈજ્ઞાનિક પદ્ધતિથી કૃત્રિમ રીતે લેબમાં તૈયાર કરાય છે.
લેબગ્રોન ડાયમંડનું વૈશ્વિક આકર્ષણ
લેબગ્રોન ડાયમંડની માગ અમેરિકા જેવા દેશોમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખૂબ જ વધી છે. યુરોપિયન કન્ટ્રીમાં એની માગ જોવા મળી રહી છે. ખાસ કરીને અમેરિકાના યુવા વર્ગમાં ઇકો ફ્રેન્ડલી ડાયમંડની માગ ખૂબ છે. સુરત ઇકો ફ્રેન્ડલી ડાયમંડ માટેનું મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે.
નેચરલના બદલે ગ્રીન ડાયમંડની ભેટ
નેચરલ ડાયમંડ જે રીતે માઇનિંગ કરીને બહાર કાઢવામાં આવે છે, એને કારણે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થાય છે. એને કારણે વૈશ્વિક સ્તર પર પણ નેચરલ ડાયમંડને લઈને સતત ચર્ચા થતી રહેતી હોય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેચરલ ડાયમંડને બદલે ઇકો ફ્રેન્ડલી ડાયમંડને વધુ પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો છે.
ઈકોફ્રેન્ડલી ડાયમંડની માગ વધી
સુરતમાં નેચરલ ડાયમંડની સરખામણીએ ધીરેધીરે લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન વધી રહ્યું છે. વડાપ્રધાન પણ ઇકો ફ્રેન્ડલી ડાયમંડને વધુ આગળ લઈ જવા માગતા હોય એ રીતે વિશ્વનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગે છે. નરેન્દ્ર મોદી ખૂબ જ સારી રીતે જાણે છે કે અમેરિકાની યુવા પેઢી ઇકોફ્રેન્ડલી ચીજો પર સૌથી વધુ આકર્ષિત થાય છે.
લેબગ્રોન ડાયમંડની માગ કેમ વધી?
લેબગ્રોન ડાયમંડની ઇકોફ્રેન્ડલી હોવાની સાથે ખૂબ સસ્તો પણ છે. નેચરલ હીરાની સરખામણીએ તે 30થી 40% ઓછા ખર્ચે મળી જાય છે, આથી વૈશ્વિક સ્તરે પણ એની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે.
દેશવાસીઓ માટે ગૌરવની વાતઃ સ્મિત પટેલ
આ અંગે જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના કન્વીનર સ્મિત પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના ડાયમંડ બનાવવાની ક્ષમતા સુરત શહેરમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડાયમંડ 7.5 કેરેટનો છે, એ આપણી આઝાદીનાં 75 વર્ષને સેલિબ્રેટ કરે છે. આપણા માટે ગર્વની વાત છે કે સુરતમાં તૈયાર થયેલો ડાયમંડ અમેરિકાની ફર્સ્ટ લેડીના હાથમાં છે, જે લાઇફટાઇમ વ્હાઇટ હાઉસમાં રહેશે. આ તમામ દેશવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય છે.


comments powered by Disqus