2024 સુધી તમામ રસ્તા અમેરિકા જેવા બનશેઃ ગડકરી

Wednesday 07th June 2023 06:24 EDT
 
 

વડોદરાઃ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો દેશનો વિકાસ થશે નહીં, પરંતુ હવે ભારત સરકાર દ્વારા 2024 સુધી અમેરિકા જેવા રસ્તા અને હાઇવે બનાવવાના પ્રોજેક્ટ ઝડપભેર પૂર્ણ કરાશે.
વડોદરા દુમાડ પાસે ફ્લાય ઓવર અને અંડરપાસના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ મુજબ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીએ કહ્યું હતું કે, રસ્તા સારા થયા છે તેને કારણે અમેરિકા સમૃદ્ધ થયું છે. અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં પણ મને કામ કરવાની તક મળી હતી, બાદમાં અટલજીના પ્રધાનમંત્રી કાળમાં ગ્રામ સડક યોજના પ્રોજેક્ટનું સૂચન કર્યું હતું અને આજે દેશભરમાં અનેક ગામડાંને મુખ્ય રસ્તાથી જોડવામાં આવ્યાં છે.
નીતિન ગડતરીએ જણાવ્યું હતું કે વર્ષ 2024 સુધીમાં દેશના તમામ હાઇવે - રસ્તા અમેરિકા જેવા થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈને મળ્યો હતો ત્યારે તેમણે ગુજરાતમાં દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજ તૈયાર કરવાનું સૂચન કર્યું હતું, તે પ્રમાણે રૂ. 1200 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ જન્માષ્ટમીના દિવસે તૈયાર થઈ જશે જેનું ઉદ્ઘાટન કરવા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તેમ તેમણે ખાતરી આપી છે.
તેમણે ગુજરાતમાં બે લાખ કરોડની કિંમતના નવીન રસ્તાનાં કામો ઝડપે ચાલી રહ્યાં છે, જેનાથી ગુજરાતના વિકાસમાં વધુ ઝડપ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં અકસ્માતથી વર્ષે દોઢ લાખ લોકોનાં મરણ થાય છે, જેને કારણે 3% જીડીપીને નુકસાન થાય છે. ત્યારે હવે હાઇવે પર થતા અકસ્માતને અટકાવવા બ્લેક સ્પોટના નિવારણ માટે દરેક જિલ્લાકક્ષાએ અકસ્માત નિવારણ સમિતિની રચના કરવામાં આવી છે, જેના કારણે મૃત્યુદરમાં 22% નો ઘટાડો થયો છે.


comments powered by Disqus