9 વર્ષમાં ગુજરાતને મોદીએ અનેક ભેટ આપી

Wednesday 07th June 2023 06:23 EDT
 
 

26 મેએ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળનાં નવ વર્ષ પૂર્ણ થયાં છે. આ નવ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતને અનેક ભેટ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષ કામ કર્યા બાદ રાજ્યને દેશમાં નંબર વન મોડેલ તરીકે રજૂ કરી તેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે ગુજરાતને વાયદો કર્યો હતો કે તેઓ કેન્દ્રમાં સરકાર બનાવશે, તો ગુજરાત માટે મોસાળમાં જમણ અને મા પીરસનારી જેવો સંયોગ હશે. પાછલાં નવ વર્ષમાં મોદીએ ગુજરાતમાં અર્થતંત્રને સશક્ત બનાવતા પ્રોજેક્ટ ઉપરાંત રેલ, બંદર અને માર્ગોના નિર્માણ ઉપરાંત આરોગ્ય, શિક્ષણ તથા શહેરી વિકાસનાં ક્ષેત્રમાં નવા પ્રકલ્પો આપ્યા છે.
સરદાર સરોવર ડેમ પર દરવાજાને મંજૂરી
વર્ષ 2014માં વડાપ્રધાનપદની શપથ લીધાના 17 દિવસમાં મોદીએ સરદાર સરોવર ડેમ પ૨ દ૨વાજાની મંજૂરી આપી અને 2016માં કામગીરી પૂર્ણ થઈ.
રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનશે
રાજકોટમાં નવું ફિલ્ડ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઇવે પર રૂ.2500 કરોડના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
સ્માર્ટ સિટી તરીકે 6 શહેરની પસંદગી
જૂન 2015માં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા દાહોદ એમ કુલ 6 શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદગી કરવામાં આવી.
વિવિધ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ
સપ્ટેમ્બર 2020માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, રક્ષાશક્તિ યુનિવર્સિટી, વડોદરામાં રેલવે યુનિવર્સિટીની ભેટ આપી.
વર્ષોથી લેવાની બાકી નીકળતી ક્રૂડ રોયલ્ટી ગુજરાતને મળી
મોદીએ માર્ચ 2015 માં ગુજરાતને ક્રૂડ ઓઇલની રોયલ્ટી તરીકે લગભગ રૂ.800 કરોડ આપવાનું નક્કી કર્યું.
બુલેટ ટ્રેન, વંદે ભારત અને અમદાવાદ-સુરતને મેટ્રો રેલ મળી
14 સપ્ટેમ્બર, 2017ના રોજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. સપ્ટેમ્બર, 2022માં ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ આપી છે. અમદાવાદ અને સુરતને મેટ્રો રેલ પ્રોજેક્ટ મળ્યા.
કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્ક
કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રિન્યૂએબલ એનર્જી પાર્કની જાહેરાત કરી. આ પાર્ક વર્ષ 2024 સુધીમાં 30,000 મેગાવોટ ઊર્જાનું ઉત્પાદન કરશે.
રાજકોટમાં AIIMS, જામનગરમાં સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન
31 ડિસેમ્બર, 2020ના રોજ રાજકોટમાં AIIMS તથા મે 2022માં જામનગરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો હતો.
GIFT સિટીમાં IFSC તથા બુલિયન એક્સચેન્જની શરૂઆત
GIFT સિટી ખાતે ઓગસ્ટ, 2022 IFSCના હેડક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો તથા જુલાઈ, 2022માં દેશનું પ્રથમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ લોન્ચ કરવામાં આવ્યું.


comments powered by Disqus