IIM - અમદાવાદ બિઝનેસ સ્કૂલમાં અવ્વલ યુનિવર્સિટીમાં IISc બેંગલુરુને પ્રથમ સ્થાન

Wednesday 07th June 2023 07:15 EDT
 
 

નવી દિલ્હીઃ આઇઆઇટી મદ્રાસે સતત પાંચમા વર્ષે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)ને નંબર-1 યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયના નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક હેઠળ તમામ રેન્કિંગ જાહેર કરાયાં છે. આઇઆઇએમ - અમદાવાદ ફરી દેશની નંબર-1 બિઝનેસ સ્કૂલ બની છે.
શિક્ષણ રાજ્યમંત્રી રાજકુમાર રંજન સિંઘે સોમવારે રેન્કિંગની માહિતી આપી હતી. એકંદરે ટોપ-10 રેન્કિંગમાં મદ્રાસ, બોમ્બે, દિલ્હી, કાનપુર, ખડગપુર, રુડકી અને ગુવાહાટીની આઇઆઇટીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે નવમા ક્રમે રહેલી ધ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)ના રેન્કિંગમાં સુધારો થયો છે અને આ વખતે તેણે છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. જ્યારે એકંદર કેટેગરીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ દસમું સ્થાન જાળવ્યું છે.
દેશની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાં આઇઆઇએમ – અમદાવાદ અને બેંગલુરુએ પહેલું અને બીજું સ્થાન જાળવ્યું છે. ગયા વર્ષે ત્રીજા સ્થાને રહેલી આઇઆઇએમ – કલકત્તાને આ વખતે ચોથું સ્થાન મળ્યું છે. જ્યારે આઇઆઇએમ – કોઝિકોડે ત્રીજો ક્રમ મેળવ્યો છે.


comments powered by Disqus