પ્રયાગરાજઃ અવધેશ રાય હત્યાકાંડના મુખ્ય આરોપી મુખ્તાર અન્સારીને વારાણસીની એમપી એમએલએ કોર્ટે દોષી ઠેરવતાં આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત મુખ્તાર અન્સારીને રૂ. 1 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.
સજા ફટકારતાં જ માથું પકડ્યું અન્સારીએ
વારાણસીની એમપી એમએલએ કોર્ટ દ્વારા સજા સંભળાવતાં જ મુખ્તાર અન્સારી બેચેન બની ગયો હતો અને ચિંતામાં માથું પકડી લીધું હતું. 5 જૂને અન્સારીને અવધેશ રાય હત્યાકાંડમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અજય રાયના ભાઈ અવધેશ રાયની વારાણસીના ચેતગંજ ખાતેના લહુરાબીર વિસ્તારમાં 3 ઓગસ્ટ 1991ના રોજ હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ મુખ્તાર અન્સારી પર લગાવવામાં આવ્યો હતો.
શું હતો આખો મામલો?
વારાણસીના ચેતગંજ ખાતેના લહુરાબીર વિસ્તારમાં 3 ઓગસ્ટ 1991ના રોજ કોંગ્રેસ નેતા અજય રાય તેમના ભાઈ અજય રાયના ઘરની સાથે ઊભા હતા, તે દરમિયાન ત્યાં વાન દ્વારા પહોંચેલા શખ્સો દ્વારા અવધેશ પર અંધાધુંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં તેઓનું મૃત્યુ થયું હતું. આ મામલે અવધેશના ભાઈ કોંગ્રેસ નેતા અજય રાય દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
અવધેશની કેમ કરાઈ હત્યા ?
અવધેશ રાયની હત્યા પાછળ ચંદાસી કોલસા બજારની વસૂલી અને અવધેશ રાયની દાદાગીરી મુખ્ય કારણ માનવામાં આવે છે. ચંદાસી કોલસા બજારમાં મુખ્તાર અન્સારીનું એકચક્રી શાસન ચાલતું હતું, આવા અન્ય બજાર અને અન્ય કોલસા વેપારી પાસેથી અન્સારીની વસૂલાતી ખંડણીમાં અવધેશ તેને અવરોધરૂપ હતો તેમ માનવામાં આવે છે.

