જૂનાગઢઃ જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ચોમાસાનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. તે મુજબ આગામી ચોમાસું 11 આની થાય તેવું તારણ છે. સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદનો પ્રથમ તબક્કો જૂનના ત્રીજા અઠવાડિયા અને બીજો તબક્કો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં થાય તેવી શકયતા છે. જુલાઈના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં અતિવૃષ્ટિ અને હેલી થવાનું અનુમાન છે અને ચોમાસાની વિદાય ઓક્ટોબરમાં થાય તેવું આગાહીકારોનું તારણ છે.
કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાં દરવર્ષે ચોમાસા અગાઉ વર્ષાવિજ્ઞાન મંડળ દ્વારા આગામી ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વાનુમાન કરવા માટે પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે. જેના 29મા પરિસંવાદમાં 55થી વધુ આગાહીકારોએ પોતપોતાનાં વિવિધ અવલોકન પરથી નક્કી કરેલા અનુમાનો રજૂ કર્યાં હતાં.
આ અનુમાનો ભડલી વાક્ય, જ્યોતિષ, ખગોળ, હવામાન શાસ્ત્ર, હોળી, અખાત્રીજના પવનો, વાદળોનો ગર્ભ, પશુ-પક્ષી, કીટક, વૃક્ષોની ચેષ્ટાઓ, હવા, વાદળ, વીજળી, ભેજ, તાપમાન વગેરેના વર્ષભરનાં અવલોકન પરથી કરાય છે.

