એઇલ્સબરીના એશિયન એલ્ડરલી ડે સેન્ટરની મુલાકાત

-જ્યોત્સના શાહ Wednesday 07th June 2023 10:16 EDT
 
 

ગુરુવાર તા. ૧ જુનના રોજ એઇલ્સબરીના "એશિયન એલ્ડરલી ડે સેન્ટર"ની મુલાકાત સ્થાનિક કાર્યકર શ્રીજગદીશભાઇ અને શ્રીમતી મીનાબહેન સાંઘાણીના સૌજન્યથી કરવાનો લાભ મળ્યો. એ દિવસે "ગુજરાત સમાચાર"ના કન્સ્લટીંગ એડીટર તરીકે વડિલોને સંબોધન કરતા મને ખુશી થઇ. "ઘડપણમાં વડપણ " વિષય પર મેં વક્તવ્ય રજુ કર્યું, જે સૌના હ્દયને સ્પર્શી ગયું. અન્ય આમંત્રિત મહેમાન વડોદરા-ગુજરાતથી આવેલ ભાવનાબહેન ભાવસારે ભજન અને ગીતોની રમઝટથી સૌને સંગીતનો રસાસ્વાદ કરાવ્યો. મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન અને સ્વાદિષ્ટ લંચથી સમાપન થયું.
એક સમયે એઇલ્સબરીમાં જૂજ એશિયનો વસતા હતા હવે ત્યાં ધીરે ધીરે આપણા ભાઇ-બહેનોની વસ્તીમાં વધારો થઇ રહ્યો છે. એના કારણોમાં અહિં ગ્રામર સ્કુલોની સંખ્યા સારી એવી છે અને લંડનના પ્રમાણમાં ઘરો સસ્તા મળતા હોવાથી ઘરેથી કામ કરનારા અત્રે સ્થાયી થવાનું પસંદ કરતા હોય છે. હવે તો આર.એસ.એસ. સેન્ટર પણ શરૂ થઇ ગયું છે. સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધારો થઇ રહ્યો છે. હીનાબહેન પંચાલ સાથે થયેલ વાતચીત મુજબ પુન: ગુજરાતી વર્ગો પણ શરૂ થવાની માંગ ઉઠી છે એ શરૂ થવાની ઘડીઓ ગણાઇ રહી છે.
જ્યારે ગણ્યા ગાંઠ્યા એશિયનો અત્રે વસતા હતા ત્યારે એમને એકલતાનો પ્રશ્ન મૂંઝવતો હતો. એમની એકલતા દૂર કરવા તેમજ પોતાના મૂળ સાથે જોડાઇ રહેવા માટે સ્થાનિક સાંસદ ટીમોથીના પત્ની રેઇસનના વરદ્ હસ્તે ૫ ઓક્ટોબર ૧૯૮૯ના
રોજ "એશિયન એલ્ડરલી ડે સેન્ટર"નો શુભારંભ થયો. ૨૬ સભ્યોથી શરૂ થયેલ આ સેન્ટરમાં હવે ૫૦ થી વધુ વડિલો દર ગુરૂવારે ભેગાં મળે છે.
પેનડેમીકમાં સેન્ટર બંધ થયા બાદ પુન: શરૂ થતાં સભ્યો પ્રફુલ્લિતતા અનુભવી રહ્યાં છે. પ્રાર્થના, હળવી કસરતવાળા યોગા, સંગીત, વાર્તાલાપ જેવા વિવિધ કાર્યક્રમો થવાને કારણે વડિલોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળે છે. યોગા શિક્ષક આર્થિક રીતે ન પોષાવાને કારણે એમના સભ્યોમાંના એક શ્રી જગદીશભાઇ યોગા કરાવે છે તો અન્ય રમત-ગમત જેવી પ્રવૃત્તિઓથી સભ્યોને સરોજબહેન ભાવસાર મનોરંજન પૂરૂં પાડવાનો પ્રયાસ કરે છે. દિવાળી, નવરાત્રી જેવા તહેવારોની ઉજવણી, ભારતના રાષ્ટ્રીય તહેવારો, કોરોનેશન પાર્ટી,આરોગ્યને લગતા કોર્સીસ, દરિયા કિનારાની ટ્રીપ આદી કાર્યક્રમોના આયોજનથી વડિલોના જીવનને નવ પલ્લવિત કરવાનો પ્રયાસ સેવાભાવી કાર્યકરોના સમય દાન અને કૌશલ્યથી થઇ રહ્યો છે જે સરાહનીય છે. ચેરમેન શ્રી નેમુભાઇ શાહ, વાઇસ ચેરમેન શ્રી ચંદુભાઇ પતાણી, આર.કે અમીન અને હર્ષદભાઇ ટ્રેઝરર, સક્રેટરી મીનાબહેન સાંઘાણી, કમિટી સભ્યો : યોગીનીબહેન અમીન, વીજુ કાલે, રંજુલા ટકોદરા અને કિશોરભાઇ શાહ સરસ રીતે જવાબદારી નિભાવી સેન્ટરને પ્રવૃત્તિમય રાખી રહ્યાં છે. સૌને અભિનંદન.


comments powered by Disqus