એમ.એસ. યુનિવર્સિટીની મોટી સિદ્ધિઃ કેન્સરની ગાંઠ સુધી દવા પહોંચાડતું નેનો કેરિયર બનાવ્યું

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

વડોદરાઃ દુનિયાભરમાં કેન્સરનો વ્યાપ સતત વધી રહ્યો છે અને મૃત્યુનું કારણ બની રહ્યું છે, ત્યારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના અધ્યાપક અને વિદ્યાર્થિનીએ કરેલા સંશોધનમાં કેન્સરની ગાંઠી સુધી દવા પહોંચાડવા નેનો કેરિયર વિકસાવવામાં આવ્યું છે. આ નેનો કેરિયરને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ આપવામાં આવી છે.
એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના કેમિસ્ટ્રી વિભાગનાં એસોસિયેટ પ્રોફેસર
ડો. સોનલ ઠાકોર અને તેમની વિદ્યાર્થિની મનીતા દાસે નેનો ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બાયો મટિરિયલ એટલે કે કાર્બોહાઇડ્રેટ્સમાંથી નેનો કેરિયર્સ રૂપી ડ્રગ ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે. ડો.સોનલ ઠાકોરે જણાવ્યું હતું કે કેન્સરવિરોધી દવાઓ આખા શરીરમાં દવાનું સમાન વિતરણ થાય છે અને તંદુરસ્ત કોષોને પણ આડઅસર કરે છે, જ્યારે નેનો ટેક્નોલોજી કેરિયર દવાથી થતી આડઅસરો ઘટાડશે અને નિયંત્રિત, નિયમિત અને ટાર્ગેટેડ ડિલિવરી દ્વારા કેન્સરની દવાની અસર વધારશે. ટાર્ગેટેડ ડિલિવરીથી તંદુરસ્ત કોષોનું રક્ષણ થાય છે. આ નેનો કેરિયર્સ બાયો મટિરિયલમાંથી મેળવ્યા હોવાથી તેની રચના સરળ અને સસ્તી છે.
ડાયાબિટીસમાં પણ ઉપયોગી
કેન્સર સિવાયના અન્ય હાનિકારક રોગ જેમ કે ડાયાબિટીસની સારવારમાં પણ આવા નેનો કેરિયર્સનો ઉપયોગ થઈ શકે છે, કારણ કે તેની મદદથી ઇન્સ્યુલિનની પણ નિયંત્રિત અને નિયમિત ડિલિવરી શક્ય છે, જેનાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ લાંબા સમય સુધી જળવાઈ રહેશે.


comments powered by Disqus