ઐતિહાસિક વડનગરની ડિસ્કવરી ચેનલ દ્વારા ડોક્યુમેન્ટરી બનાવાઈ

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

મહેસાણાઃ મહેસાણાનું વડનગર શહેર અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ભારત સહિત દુનિયાનાં પ્રાચીનતમ નગરોમાં જેની ગણના થાય છે તે વડનગર શહેરમાં અનેક પૌરાણિક અવશેષો આજે પણ સચવાયેલાં છે અને વડનગરના ગૌરવપૂર્ણ ઇતિહાસને ઉજાગર કરે છે. વડનગર શહેરના આ ઐતિહાસિક પાસાથી દેશ અને દુનિયાને માહિતગાર કરતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘અનંત અનાદિ વડનગર’ ડિસ્કવરી ચેનલ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેનું 7 જૂને પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ડિસ્કવરી ચેનલ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મનું વડનગર શહેરનાં આઠ સ્થળોએ પ્રસારણ કરવામાં આવ્યું, “અનંત અનાદિ વડનગર”નો મુખ્ય કાર્યક્રમ તાનારીરી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.
ડિસ્કવરી ચેનલ દ્વારા બનાવવામાં આવેલી આ ડોક્યુમેન્ટરીમાં વડનગરના ભૂતકાળને તાદૃશ્ય કરવામાં આવ્યું છે, જેમાં પુરાતત્ત્વ વિશેષજ્ઞો દ્વારા તેનું આર્કિયોલોજિકલ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. સાથોસાથ બુદ્ધ અને હિન્દુ ધર્મ અને તેના સ્થાપત્યો અંગે ગહન ચર્ચા અને તેના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. આ શહેર સાત વખત નષ્ટ થયું અને સાત વખત ફરી બેઠું થયું, તેના તબક્કાવાર ખુલાસા પણ રજૂ કરવામાં આવ્યાં છે. મહાભારત કાળમાં પણ વડનગરના યોગદાન અને ઇતિહાસમાં વડનગરની ભૂમિકા પણ દર્શાવવામાં આવી છે.


comments powered by Disqus