નલિયાઃ કચ્છના પિંગળેશ્વર દરિયાકાંઠા પર વહેલી સવારથી સ્ટેટ આઇબીના અધિકારીઓ દ્વારા આરંભાયેલા પેટ્રોલિંગમાં અંદાજિત રૂ. 10 કરોડની કિંમતનાં હેરોઇનનાં બે બિનવારસી પેકેટ મળી આવતાં કાર્યવાહી માટે જખૌ પોલીસને સોંપવામાં આવ્યાં હતાં.
બુધવારે વહેલી સવારથી સ્ટેટ આઇબીના અધિકારીઓને મળેલી હકીકતના પગલે આઇબીની ટીમે અબડાસા તાલુકાના પિંગળેશ્વરના દરિયાકાંઠા પર પેટ્રોલિંગ આરંભ્યું હતું. સ્ટેટ આઇબીની ટીમની તપાસણીમાં પિજોરાપીરની દરગાહ નજીકથી હેરોઇનનાં બે પેકેટ મળી આવ્યાં હતાં. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 10 કરોડની અંદાજવામાં આવી રહી છે. ત્યારબાદ મળી આવેલાં હેરોઇનના બંને પેકેટ પોલીસને સોંપાયાં હતાં.
ડ્રગ્સના કારોબારીઓને નાથવા એજન્સીઓ રાત-દિવસ એક કરી રહી છે. આ દરમિયાન કચ્છના દરિયાઈ વિસ્તારો તેમજ નિર્જન વિસ્તારોમાં પોલીસ, બીએસએફ, કોસ્ટગાર્ડ ઉપરાંત અલગ અલગ એજન્સી બાજનજર રાખી રહી છે.

