ગાંધીનગરઃ આગામી ઓગસ્ટમાં રાજ્યસભાના ત્રણ સાંસદની મુદત પૂર્ણ થઈ રહી છે. જો કે અહીં કોંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછું હોવાથી ત્રણેય બેઠકો ભાજપને ફાળે જશે. ગુજરાતના રાજકારણમાં પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણી જ લડવા નહીં મળે.
હાલ ગુજરાત વિધાનસભાની સ્થિતિને જોતાં રાજ્યસભાની ચૂંટણીનું અંકગણિત માંડીએ તો 182 બેઠકોના આધારે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આ જોતાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા નહિવત્ છે.
એટલું જ નહીં આગામી પાંચ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસને રાજ્યસભામાં આ એકેય બેઠક મળશે નહીં. એપ્રિલ- 24માં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થશે, જેમાં કોંગ્રેસના સાંસદ નારણ રાઠવા અને અમી યાજ્ઞિકનો સમાવેશ થાય છે.
રાજ્યસભાની 3 બેઠકની આવી રહી છે ચૂંટણી
ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. 18 ઓગસ્ટે ત્રણ બેઠકોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે, જેથી આ રાજ્યસભાની બેઠકો પર ચૂંટણી યોજાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ આ બેઠકો પર ચહેરા બદલાવી શકે છે. કેન્દ્રીય ચૂંટણીપંચે જે રાજ્યોમાં રાજ્યસભાના સભ્યોની ટર્મ પૂર્ણ થવા જઈ રહી છે તે રાજ્યોને પત્ર લખ્યો છે.
18 ઓગસ્ટે પૂરી થઈ રહી છે ટર્મ
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠક પૈકી 8 પર ભાજપનો કબજો છે, જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠક છે. વાસ્તવમાં આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશમંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે આ ત્રણ બેઠક માટે ઓગસ્ટ મહિનામાં ચૂંટણી યોજાશે. આ વખતે પણ 3 બેઠક પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે.
અંતિમ નિર્ણય હાઈકમાન્ડ લેશે
સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના મોટા નેતા જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાની જગ્યાએ અન્ય કોઈની પસંદગી કરવામાં આવી શકે છે. જો કે આ મામલે અંતિમ નિર્ણય તો હાઇકમાન્ડ દ્વારા જ લેવામાં આવશે. એસ. જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયામાંથી ભાજપ કોને રિપીટ કરશે અને કોને પડતા મૂકશે તે આવનારા દિવસોમાં ખબર પડશે.
લોકસભા ચૂંટણી પહેલાં 4 બેઠક ખાલી થશે
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી પહેલાં 2 એપ્રિલે રાજ્યસભાની વધુ 4 બેઠક ખાલી થશે, જેમાં કોંગ્રેસની 3 પૈકી બે બેઠકો પણ સામેલ છે. 2 એપ્રિલ 2024ના રોજ ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયાની સાથે કોંગ્રેસનાં અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાની બેઠક પર ખાલી થઈ રહી છે.

