નવી દિલ્હીઃ જર્મનીમાં છેલ્લા 20 મહિનાથી ફસાયેલી ગુજરાતની બેબી અરિહા શાહનો ગૂંચવાયેલો કેસ ફરી સપાટી પર આવ્યો છે. બાળકીને દેશમાં પાછી લાવવા તેની માતાએ આ કેસમાં દરમિયાનગીરી કરવા મોદી સરકારને અપીલ કરી છે. બાળકીનાં માતાપિતાએ આક્ષેપ કર્યો હતો કે 20 મહિનાથી તેને જે સેન્ટરમાં રાખવામાં આવી હતી, ત્યાંથી હવે માનસિક વિકલાંગ સેન્ટરમાં ખસેડવામાં આવી છે. બાળકીની માનસિક હાલત ખરાબ છે તેવું દર્શાવીને તેની સાથે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે. બીજી તરફ ભારતના વિદેશ મંત્રાલયે બાળકીને વહેલામાં વહેલી તકે ભારત લાવવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું છે. અમદાવાદની બાળકી અરિહા શાહ છેલ્લા 27 મહિનાથી જર્મનીમાં છે. તે 7 મહિનાની હતી ત્યારે તેને જર્મની યૂથ વેલફેરની કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

