ડાંગની યુવતી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ રમશે

Wednesday 07th June 2023 06:23 EDT
 
 

આહવાઃ ડાંગ જિલ્લાનાં જંગલો કુદરતી સંપત્તિથી ભરેલાં છે. અહીંની ધરતી માત્ર પાકરૂપી સોનું જ ઊપજાવતી નથી, પરંતુ અનેક વીરલા પણ ધરાવે છેે. દુનિયામાં નામ રોશન કરનારાં સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત બાદ વાહુટિયાની દીકરી પ્રીતિ દેસાઈ દેશ વતી ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્રિકેટ મેચ રમવા જઈ રહી છે.
ક્રિકેટર એસોસિયેશન બ્લાઇડ ઇન ઇન્ડિયાથી રમવા જઈ રહેલી પ્રીતિ દેસાઈનું ગામ વાહુટિયા ડાંગના આહવાથી 50 કિ.મી. દૂર અને મહારાષ્ટ્રની સરહદે સુબીર તાલુકામાં આવેલું છે. પિતા બાબુભાઈ અને માતા શાંતાબેનની 21 વર્ષની દીકરી પ્રીતિ દેસાઈને ડાબી આંખે ઓછું દેખાય છે. પ્રીતિબેન દેસાઈનાં પિતા બાબુભાઈ ચોમાસામાં ખેતી સાથે છૂટક મજૂરીકામ કરી પરિવારનું ભરણપોષણ કરે છે.
ક્રિકેટર એસોસિયેશન બ્લાઇડ ઇન ઇન્ડિયામાં પસંદ થયેલી પ્રીતિએ ધોરણ-5માં અંધજન શાળા અભ્યાસ શરૂ કર્યો હતો અને ત્યારથી જ ક્રિકેટની રમત શરૂ કરી હતી. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા શિક્ષકોએ તેમનામાં રહેલી પ્રતિભાને ઓળખી તેમને ક્રિકેટ રમવાની સલાહ આપી હતી. તેઓ જુનિયર ઓલરાઉન્ડર બેટ્સમેન, બોલર અને વિકેટ કીપર તરીકે જિલ્લાસ્તરે ક્રિકેટ સાથે જોડાયાં હતાં. વર્ષ 2021 માં ગુજરાત -રાજસ્થાન સામે રમાયેલી બાયલેટ્રલ સિરીઝમાં તે ગુજરાતની કેપ્ટન હતી. હાલ ઇંગ્લેન્ડ ખાતે રમાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ક્રિકેટ મેચ રમશે.


comments powered by Disqus