ડીસાના આખોલ ગામે આધુનિક યુગમાં પણ જીવંત રહેલી પરંપરાગત ભવાઈ

Wednesday 07th June 2023 07:14 EDT
 
 

ડીસાઃ બનાસ નદીના કિનારે આવેલા આખોલ ગામમાં લગભગ અઢીસો વર્ષથી પ્રાચીન ભવાઈ ભજવવામાં આવે છે, જેને નિહાળવા દૂર-દૂરથી હજારોની સંખ્યામાં લોકો પણ આવે છે. આજના આધુનિક યુગમાં મોટા ભાગના લોકો ભવાઈને ભૂલી ચૂક્યા છે, પરંતુ ભવાઈ મનોરંજનની સાથેસાથે મીડિયાના માધ્યમ તરીકે પણ વર્ષોથી પ્રચલિત રહી ચૂકી છે. એક સમયે જ્યારે સંચારનાં સાધનો સીમિત હતાં ત્યારે લોકો માટે મનોરંજન, પ્રચાર અને લોકજાગૃતિનું કામ ભવાઈના માધ્યમથી થતું હતું.
એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પ્રદેશમાં ભવાઈના માધ્યમથી પરિચિત કરાવાતી હતી. જો કે ટીવી અને ઇન્ટરનેટના આજના યુગમાં આ ભવાઇ ભુલાવા માંડી છે. આ પ્રાચીન ભવાઈ આવનારી પેઢીમાં પણ જીવંત રહે તે માટે આખોલ ગામમાં ચૈત્ર માસમાં ભવાઈ ભજવવામાં આવે છે.
આયોજક કાંતુભા પરમારે અને વિરસંગજીએ જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી ચાલી આવતી આ ભવાઈમાં અનેક કૃતિઓ રજૂ કરાય છે. ખાસ વાત એ છે કે ભવાઈમાં સ્ત્રીઓ ભાગ નથી લઈ શકતી તેવા સંજોગોમાં સ્ત્રીઓનાં પાત્રો પુરુષો જ અભિનિત કરતા હોય છે.


comments powered by Disqus