દિવાળીથી ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની જશે

Wednesday 07th June 2023 06:21 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સર્જાઈ રહેલો અનન્ય નજરાણારૂપ સિગ્નેચર બ્રિજ તેના અંતિમ તબક્કામાં છે. હવે માંડ 9 ટકા જેટલી કામગીરી બાકી છે. મોટાભાગે આવતી દિવાળીએ નાગરિકો માટે ખુલ્લો મુકાનારો આ બ્રિજ સોમનાથ-દ્વારકા જતા યાત્રાળુઓ માટે એક નવું ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે. રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સંપૂર્ણપણે કેન્દ્ર સહાયિત પ્રોજેક્ટ છે, જે એક હજાર કરોડ રૂપિયામાં પૂર્ણ થશે.
આ બ્રિજની વિશેષતાઓ પ્રગટ કરતાં માર્ગ-મકાન વિભાગનાં સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે કેબલ સ્ટેઇડ બ્રિજમાં તેના પાયલોન યાને થાંભલા સીધા હોય છે, જ્યારે આ બ્રિજમાં આડાઅવડા-કર્વેચર રખાયા છે. બ્રિજમાં વચ્ચેના ભાગે ચાર જેટલી વ્યૂઇંગ ગેલેરીની સ્પેસ રખાઈ છે. જ્યાં પ્રવાસીઓ ઊભા રહીને ઘુઘવતા અરબી સમુદ્રની ખાડીનો નજારો માણી શકશે. આમ સમગ્રતયા આ બ્રિજની ડિઝાઇન આર્કિટેક્ચરલ અજાયબી માફક બનાવવાનો પ્રયાસ થયો છે અને એને કારણે જ બ્રિજને સિગ્નેચર બ્રિજનું નામ અપાયું છે.
ઓક્ટોબર-2017માં આ બ્રિજનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે થયું હતું. એટલે સ્વાભાવિક રીતે એનું ઉદ્ઘાટન પણ એમના દ્વારા જ કરાવવાનો રાજ્ય સરકારનો આગ્રહ રહેશે. કોરોના કાળને કારણે આ પ્રોજેક્ટ પૂરો થતાં છ વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો છે. આ ચાર લેન ધરાવતા બ્રિજમાં કેબલ સ્ટેઇડની લંબાઈ 900 મીટર છેે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. સુપર સ્ટ્રક્ચરમાં હવે કુલ 2320 મીટરના કામ પૈકી 100 મીટરનું જ કામ બાકી છે. બિહારના ભાગલપુરમાં ધરાશાયી થયેલા બ્રિજનું નિર્માણ કરનારી કંપની દ્વારા જ સિગ્નેચર બ્રિજનું નિર્માણ પણ કરવામાં આવી રહ્યું છે.


comments powered by Disqus