બુલેટ ટ્રેન પ્રોજેક્ટે અંત્રોલી - નિયોલ ગામના ખેડૂતોને માલામાલ કર્યા

Wednesday 07th June 2023 06:23 EDT
 
 

કામરેજઃ સુરત જિલ્લાના અંત્રોલી અને નિયોલ એવાં ગામ છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા બુલેટ ટ્રેન માટે સંપાદિત થયેલી જમીનના ખેડૂતોને રૂ. 1,350 કરોડ મળતાં ગામમાં આમૂલ પરિવર્તન જોવા મળી રહ્યું છે.
આટલી મોટી આવકથી બે ગામમાં ખેડૂતો અને ગામની સ્થિતિ બદલાઈ ગઈ છે. ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે. માત્ર ખેડૂતોને નહીં, પરંતુ આ આવકને લઈ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સમગ્ર વિસ્તારને ફાયદો થઈ રહ્યો છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સમગ્ર વિસ્તારને ફાયદો
જંત્રી કરતાં ચાર ગણા ભાવ ચૂકવાતાં સુરત જિલ્લાના જે વિસ્તારમાંથી બુલેટ ટ્રેન પસાર થઈ છે તે તમામ વિસ્તારમાં બજાર કિંમત કરતાં વધુ રૂપિયા ખેડૂતોને મળ્યા એ હકીકત છે. જેને લઈને આ વિસ્તારમાં ખેડૂતોના જીવન ધોરણમાં ઘણો મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આ બે ગામના ખેડૂતોનું જીવનધોરણ ઊંચું આવતાં સ્થાનિક સ્તરે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમગ્ર વિસ્તારને ફાયરો થયો છે.
રાષ્ટ્રીયકૃત - ખાનગી બેન્કો આવતાં ગ્રામજનોને પણ લાભ
અંત્રોલી અને નિયોલ ગામના ખેડૂતોને વળતરરૂપે રૂ. 1350 કરોડ મળતાં રાતોરાત ગામમાં ત્રણ બેન્ક કાર્યરત્ થઈ છે. અંત્રોલીમાં એક ખાનગી અને એક સહકારી બેન્ક, તો નિયોલમાં એક રાષ્ટ્રીયકૃત બેન્ક શરૂ થઈ છે. જેના થકી આ ખેડૂતો સાથે ગ્રામજનોને પણ ફાયદો થયો છે.
આ રકમમાંથી અમે નવું ઘર બનાવી શક્યા
અંત્રોલીના ખેડૂત મહિલા કીર્તિબહેન બારડે જણાવ્યું કે, જમીન ગુમાવ્યા બાદ સંતોષકારક વળતરથી અમે સારી જિંદગી જીવી રહ્યાં છીએ. અમે આ પૈસાથી નવું ઘર બનાવવાની સાથે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ બન્યા છીએ. બાળકોને યોગ્ય નોકરી કે બિઝનેસની તકો મળે તે માટે સરકાર વ્યવસ્થા કરશે. આ પ્રોજેક્ટ દ્વારા જે નાણાં મળ્યાં તેમાંથી અન્ય સ્થળે ખેતીની જમીન પણ લીધી છે.
આયોજનબદ્ધ રોકાણથી જીવન ધોરણ સુધર્યું
​નિયોલના ખેડૂત હરેશ વશીએ જણાવ્યું કે, અમારા ગામમાં અંદાજિત રૂ. 200 કરોડ આવ્યા છે. ખેડૂતોએ આ રૂપિયાથી અન્ય જગ્યાએ જમીન લીધી, આયોજનબદ્ધ રીતે રોકાણ કરવાથી જીવન ધોરણમાં સુધારો થયો છે. ઘણા ખેડૂતોએ પોતાનાં સંતાનોને વિદેશમાં સ્થાયી કરવા માટે વિદેશમાં પણ રોકાણ કર્યું છે.


comments powered by Disqus