અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે, ત્યારે 4 જૂને જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે રથયાત્રા પહેલાં મહત્ત્વપૂર્ણ ઉત્સવ વિધિ ‘જળયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
જળયાત્રા જમાલપુર નિજમંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગાપૂજન માટે વરઘોડારૂપે પહોંચી હતી, જ્યાં ગંગા પૂજન કર્યા બાદ 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ ષોડ્પશોચાર પૂજા વિધિ કરવામાં આવી હતી. આ જળથી ભગવાનનો જળાભિષેક કર્યા બાદ ભગવાનનાં ગજવેશમાં દર્શન થતાં ભક્તો ભાવવિભોર થયા હતા.
આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને મોસાળ સરસપુર ખાતે મોકલવામાં આવ્યાં હતાં, જ્યાં ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી વીજળીના કડાકાભડાકા સાથેના વરસાદમાં યોજાયેલી શોભાયાત્રાની ગજરાજો દ્વારા આગેવાની કરવામાં આવી હતી. તો વરસતા વરસાદમાં ભક્તો ડીજેના તાલે ઝૂમ્યા હતા. મોસાળ સરસપુર પહોંચતાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
રથયાત્રાને ટેક્નોલોજીનું કવચ
રથયાત્રામાં આ વર્ષે થ્રીડી મેપિંગ,ે વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટનો ઉપયોગ કરાશે. જે અંતર્ગત રથયાત્રાની પળેપળની માહિતી કંટ્રોલરૂમમાં બેઠાંબેઠાં એક ક્લિકથી જ મળશે. રથયાત્રા દરમિયાન રથના લોકેશન, ટ્રકના લોકેશન, અખાડા, હાથીના લોકેશન કંટ્રોલરૂમથી જાણી શકાશે.

