અમદાવાદઃ લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ હવામાં હતી, ત્યારે જ ફ્લાઇટમાં સ્મોક એલાર્મ વાગતાં મુસાફરો ગભરાઈ ગયા હતા. તપાસ કરતાં યુવકે વોશરૂમમાં સિગારેટ પીધી હોવાનું સામે આવ્યું હતું. યુવક પાસેથી સિગારેટનું પેકેટ અને લાઇટર મળી આવ્યાં હતાં. આ મામલે પાઇલટે લંડનથી ભુજ વતન ફરી રહેલા યુવક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
વડોદરામાં 41 વર્ષીય કૃણાલ બલદેવ કિશનાની એર ઇન્ડિયા ફ્લાઇટમાં પાઇલટ તરીકે 15 વર્ષથી ફરજ બજાવે છે. 4 મેએ એર ઇન્ડિયાની લંડનથી અમદાવાદની ફ્લાઇટ હતી. 5 મેની સવારે 10.45 વાગ્યે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવાની હતી, ફ્લાઇટ હવામાં હતી તે દરમિયાન પાઇલટ કેબિનમાં ડિસ્પ્લેમાં સ્મોક વોર્નિંગ વાગી હતી. કૃણાલે ફ્લાઇટના ક્રૂ મેમ્બર રચના વર્માને બોલાવીને તપાસ કરવા સૂચના આપી હતી. જેમાં સી-25 સીટ પર બેઠેલા પેસેન્જરે સિગારેટ પીધી હોવાનું જણાયું હતું. તેની પાસેથી સિગારેટનું પેકેટ અને લાઇટર પણ મળી આવ્યાં હતાં. ક્રૂ મેમ્બરે તેનું નામ પૂછતાં તેણે ભુજનો વતની હોવાનું જણાવ્યું હતું. આરોપી યુવાન લંડનમાં રહે છે અને તેણે લંડનથી છુપાવીને સિગારેટ અને લાઇટર લાવ્યો હોવાનું કબૂલ્યું હતું. આ મામલે પાઇલટ કૃણાલે આરોપી યુવાન સામે આઇપીસીની કલમ 336 મુજબ ફરિયાદ નોંધાવતાં એરપોર્ટ પોલીસે તેની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

