અમદાવાદઃ ચંદનચોર વિરપ્પનની ગેંગ સાથે સંપર્ક ધરાવતો બોડકદેવનો વેપારી પ્રાણીઓના ચામડાં અને હાથીદાંતની આંતરરાષ્ટ્રીય તસ્કરીના રેકેટમાં સંડોવાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ક્રાઇમબ્રાન્ચે આરોપીને રૂ. 35 લાખના હાથી દાંતના કેસમાં ઝડપી લીધા. તામિલનાડુ ફોરેસ્ટ વિભાગે ઘટસ્ફોટ કર્યો કે, પાલડીમાં રહેતો વેપારી પ્રકાશ કાકલિયા પ્રાણીઓની આંતરરાષ્ટ્રીય તસ્કરીના રેકેટમાં સામેલ છે. તામિલનાડુ ફોરેસ્ટ વિભાગે વાઘનું ચામડું, હરણનાં શિંગડાં, બે હાથી દાંત અને શિયાળની પૂંછડી વગેરે કબજે કર્યાં છે.
ક્રાઇમબ્રાન્ચે અગાઉ બાતમીના આધારે ચંદનચોર વિરપ્પન ગેંગ સાથે સંકળાયેલા અને હાથી દાંત વેચવા માટે ફરી રહેલા બોડકદેવના કસ્તુરી કોમ્પ્લેક્સમાં રહેતા પ્રકાશ ચુનીલાલ કાકલિયા અને તેના સાગરીતોને રૂ. 35 લાખના હાથી દાંતના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આરોપી પ્રકાશ 1992થી 2006ના સમયગાળા દરમિયાન તામિલનાડુના સેલમ વિસ્તારમાં દરજીકામ કરતો હતો.

