ગાંધીનગરઃ ગુજરાત સરકારે છેવટે 12 વર્ષ જૂની જંત્રી અર્થાત સરકારી રાહે જમીન- મિલકતનું મૂલ્ય નિર્ધારિત કરતા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ- 2011ને એક ઝાટકે બમણાં કરવાનો નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે શનિવારે સાંજે જંત્રીના ભાવમાં વધારો કરવા ઠરાવ પ્રસિદ્ધ કર્યો હતો. જેનો અમલ પાંચમી ફેબ્રુઆરીને સોમવારથી રાજ્યભરમાં થયો.
સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનું દેવને 19 જાન્યુઆરીએ તમામ કલેક્ટરને સરવે પહેલા રિવિઝન અને સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ કરીને પ્રાથમિક અહેવાલ સોંપવા આદેશો કર્યા હતા. જેના 17મા દિવસે જ મહેસૂલ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી પ્રેરક પટેલની સહીથી જંત્રીના ભાવમાં વધારો કરવાનો ઠરાવ પ્રસિદ્ધ થયો છે.
મકાન થયાં મોંઘાં, NA- પ્રીમિયમ વધશે
ગુજરાતનાં શહેરોમાં પોતાના ઘરનું સ્વપ્ન જોનારા લોકોને મકાન ખરીદવું મોંઘું થશે, કારણ કે જંત્રીના દર બમણા થતાં ખેતીની જમીનને બિનખેતી- NAમાં રૂપાંતરણ, શરત ભંગના કિસ્સામાં પ્રીમિયમ સહિતના મહેસૂલી વેરા, દંડની રકમ પણ ડબલ થઈ જશે. આ સ્થિતિમાં સરકારની આવક ચોક્કસ વધશે, પરંતુ ભારણ નાગરિકો પર જ આવી પડશે. મહેસૂલ વિભાગના આંકડા મુજબ સ્ટેમ્પ ડ્યૂટી - રજિસ્ટ્રેશન, પ્રીમિયમની આવકપેટે સરકારને રૂ. 15,755 કરોડ મળી રહ્યા છે. વર્ષ 2023-24નું બજેટ 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થાય તે પહેલાં જ સરકારે મહેસૂલ વિભાગની આવક રૂ. 31,510 કરોડથી વધુ મેળવશે તે સ્પષ્ટ છે.

