અમદાવાદઃ એર ઇન્ડિયાની શનિવારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ઉડાન માટે તૈયાર હતી. તે પહેલાં તેમના કાર્ગો કમ્પાર્ટમેન્ટનું ડોર બંધ થતું ન હતું. ડોરમાં ખામી સર્જાતાં ફ્લાઇટ ગ્રાઉન્ડ કરી દેવાતાં 250 પેસેન્જર થોડા સમય માટે અટવાયા હતા. શનિવારે રાત્રે એર ઇન્ડિયાની 2:20 વાગ્યાની ફ્લાઇટ માટે પેસેન્જર રાત્રે 12 વાગ્યે જ આવી ગયા હતા. સિક્યોરિટી ચેકઅપ પછી લગેજ ફ્લાઇટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ગોઠવાતો હતો ત્યારે જ ડોર બંધ થયું ન હતું.
બીજી તરફ ફ્લાઇટના ટેકઓફનો સમય પણ થઈ ગયો હતો આમ પેસેન્જર ફલાઇટની રાહ જોઈને બેઠા હતા, પરંતુ ફલાઇટ મોડી રવાના થશે તેનું એનાઉન્સમેન્ટ કરી દેવાયું હતું. આમ મુસાફરોને ટર્મિનલમાં બે કલાક સુધી બેસી રહેવું પડ્યું હતું. ડોરનું રિપેરિંગ થઈ ગયા બાદ ફ્લાઇટે વહેલી સવારે 4:20 વાગ્યે અમદાવાદથી લંડન માટે ઉડાન ભરી હતી. એરપોર્ટનાં સૂત્રોએ જણાવ્યું કે, ફ્લાઇટમાં આ પ્રકારની ખામી ભાગ્યે જ સામે આવતી હોય છે.

