અમદાવાદઃ અમદાવાદના નાગરિકો ઘરેબેઠા પ્રોપર્ટી ટેક્સનાં બિલો ડાઉનલોડ કરી શકે અને તુરંત જ ટેક્સ ઓનલાઇન ભરી શકે તે હેતુથી અમદાવાદ કોર્પોરેશન દ્વારા વ્હોટ્સએપ ચેટ બોટની સુવિધા શરૂ કરાઈ છે. કોર્પોરેશનના સીસીઆરએસ વોટ્સએપ નંબર 75678 55303 પર ચેટ દ્વારા પ્રોપર્ટી ટેક્સ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા પ્રોપર્ટી ટેક્સ ટેનામેન્ટ નંબર લખી તેમનાં પ્રોપર્ટી ટેક્સ બિલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે.
‘મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરવો જરૂરી’
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું કે, અમદાવાદના નાગરિકોની સગવડતા અને સરળતા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. નાગરિકો તેઓનાં તમામ પેમેન્ટ મોબાઇલ પર ઓનલાઇન કરતા હોય છે. જે ધ્યાને લેતાં હવે વ્હોટ્સએપ ચેટ બોટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં કોર્પોરેશનના વોટ્સએપ નંબરકૂડા પર ટેક્સધારક તેઓના પ્રોપર્ટી ટેક્સનાં બિલ ડાઉનલોડ કરી ઓનલાઇન પેમેન્ટ કરી શકે તેવી સર્વિસ ચાલુ કરવામાં આવી છે. આ સર્વિસ મેળવવા કોઈપણ નાગરિક તમામ કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સના ટેનામેન્ટ નંબરની સાથે તેઓના મોબાઇલ નંબર લિન્ક કરવા જણાવવામાં આવે છે. જેથી તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ સેવાઓ તેઓના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેળવી શકશે. પ્રોપર્ટી ટેક્સનું પેમેન્ટ ઘરેબેઠા મોબાઇલથી ભરવા- મેળવવાની સગવડ આપવાથી કરદાતાઓને કોર્પોરેશન ઓફિસ કે સિવિક સેન્ટર આવવાની જરૂરિયાત રહેશે નહીં.

