સુરતઃ મેડિકલ સાયન્સ સતત હરણફાળ ભરી રહ્યું છે છતાં પણ કેન્સરની બીમારી અંગે પૂરી સફળતા મળી નથી. કેન્સરને ઓળખવામાં જ ઘણી વખત એટલો સમય વીતી જાય છે કે કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી જાય છે, ત્યારે ચારૂસેટના પ્રોફેસરે આ એક આશાનું કિરણ કહી શકાય એવું સંશોધન કર્યું છે.
પીએચડીના સંશોધન દરમિયાન તેમણે એક ડેમો એપ બનાવી છે. જે ગણતરીની મિનિટોમાં જ કેન્સરના તત્વોને શોધી કાઢશે. અમદાવાદ અને આણંદના ચાંગા સ્થિત ચારૂસેટ યુનિ.ના. પ્રોફેસર ડો. મૃદંગ પંડ્યાએ આ સંશોધન કર્યું છે.
ડો. મૃદંગ પંડ્યાએ જણાવ્યું કે, છ-સાત મહિનાની મહેનત બાદ પીએચડીમાં મદદરૂપ થઈ શકે તે હેતુસર એક એપ ડેવલપ કરી, જે એન્ડ્રોઈડ એપ છે. તેમાં પરીક્ષણ કર્યા બાદ ફેફસામાં કેન્સર ક્યાં રહેલું છે તે જાણી શકાય છે. આ અંગે વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, એપનું નામ લેન્સી નેટ એટલે કે લન્ગ નોડ્યુઅલ ક્લાસિફિકેશન આપ્યું છે.
સીટી સ્કેનના ડેટાને એપમાં ફીડ કરતાં મિનિટોમાં જ ફેફસામાં ક્યાં કેન્સરનાં તત્ત્વો છે તે જાણી શકાશે. આ સિસ્ટમથી રેડિયોલોજિસ્ટને કેન્સર શોધવું સરળ બની જશે અને ઈલાજ પણ સરળ બનશે.

