જ્હોનિસબર્ગઃ રાજકોટના યુવાન વેપારીનું આફ્રિકામાં પાકિસ્તાનીઓ દ્વારા અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના યુવાન વેપારી કેયુર મલ્લી માલ ખરીદવા માટે આફ્રિકા ગયા હતા, જ્યાં એરપોર્ટ પરથી જ 4 પાકિસ્તાની દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હતું. જે બાદ કેયુરને એક અજ્ઞાત સ્થળે લઈ જઈ 3 દિવસ સુધી સાંકળથી બાંધી દેવાયો હતો. અને તેના ફોનથી વારંવાર તેના રાજકોટસ્થિત પિતા પાસેથી રૂ. 1.50 કરોડની ખંડણીની માગણી કરી હતી. જે આંગડિયા દ્વારા મળી જતાં મને છોડી મુકાયો હતો.
દોઢ વર્ષથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધોઃ કેયુર
કેયુર મલ્લીએ જણાવ્યું હતું કે, મારી ઉંમર 28 વર્ષની છે, હું દોઢ વર્ષથી ટ્રાઇડેન્ટ ઓવરસીઝના નામથી ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો ધંધા કરી રહ્યો છું. થોડા સમય પહેલાં મારે આફ્રિકાના શખ્સ સાથે ઓનલાઇન સંપર્ક થયો અને ત્યાંથી કાસ્ટિંગ મટિરિયલ સ્ક્રેપ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા માટે 3 મહિનાથી વાતચીત ચાલતી હતી. આ લોકો મને ત્યાંથી ફોટોગ્રાફ્સ અને વીડિયો મોકલતા પણ હતા, માટે મારે રૂબરૂમાં માલ જોઈ-ચકાસી અને એક્સપોર્ટ કરવા માટે જવાનું હતું. આ માટે બધા ડોક્યુમેન્ટ પ્રોસેસ મેં કર્યા હતા.
કેયુર ક્યારે રાજકોટથી આફ્રિકા ગયો
કેયુરે આગળ વાત કરતાં જણાવ્યું હતું કે, હું જોહાનિસબર્ગ ખાતે 20મીએ રાત્રે 8.30 વાગ્યે પહોંચ્યો હતો. ત્યાં પહોંચતાં જ જે વ્યક્તિ સાથે ટેલિફોનિક વાત થઈ હતી તેમણે મને લેવા માટે ગાડી મોકલી હતી. આ ગાડીમાં બેસતાં તે મને તેની કોઈ જગ્યા પર લઈ ગયા હતા. જ્યાં મને બેસાડી ચાર લોકોએ સાંકળ વડે બાંધી દીધો હતો અને કહ્યું હતું કે, ‘અમે પાકિસ્તાની છીએ તારું અપહરણ કર્યું છે. જો અહીંથી છૂટવું હોય તો પૈસા આપવા પડશે.’ તેમણે મારી પાસેનાં લેપટોપ તેમજ મોબાઇલ ફોન લઈ તેમની સાથે કરેલી વાતચીત અને કન્વર્ઝેશન સહિતના પુરાવા ડિલીટ કરી દીધા હતા. આ સાથે દોઢ તોલા સોનાની વીંટી,ે એક હજાર ડોલર પણ લઈ લીધા.
અપહરણકારો નાણાં માટે પ્રેશર કરતા
અપહરણકારો કેવું ટોર્ચર કરતા હતા એ અંગે કેયુરે જણાવ્યું હતું કે, બીજા દિવસની સવારથી મારા પિતાને તેઓ દર એક કલાકે ફોન કરાવતા હતા અને અપહરણ થઈ ગયું હોવાની વાત કરવા કહેતા હતા. પ્રથમ ફોનમાં મારા પિતા પાસેથી રૂ. દોઢ કરોડની માગણી કરી હતી. આ પછી ધીમેધીમે પૈસા માટે પ્રેશર કરતા હતા. સતત ત્રણ દિવસ સુધી 20 જાન્યુઆરીની રાતથી 23 તારીખે સાંજ સુધી મને બાંધી રાખ્યો હતો. જો કે માર મારતા ન હતા, પરંતુ પૈસાની માગણી સતત કરતા રહેતા હતા. મારા પિતાએ રાજકોટથી જ્યારે આંગડિયા મારફતે રૂ. 30 લાખ મોકલ્યા ત્યારે તેમણે મને છોડ્યો હતો.

