દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરીનું કર્ણાટકના તુમકુરુ ખાતે ઉદ્ઘાટન કર્યું છે. આ ફેક્ટરીનું પૂરું નામ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ-HAL છે. આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધિત કરતાં કહ્યું કે, આજે ખોટા આરોપો લગાવનારાનો પર્દાફાશ થયો છે.
PM મોદીએ હેલિકોપ્ટર ફેક્ટરીની શક્તિ પર કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે, ‘ફેક્ટરી અંગે ઘણી ખોટી માહિતીઓ અને કેન્દ્ર સરકાર ઉપર ઘણા ખોટા આરોપ પણ મૂકવામાં આવ્યા હતા. HALની હેલિકોપ્ટર ફેક્ટરી અને વધી રહેલી તેની શક્તિ જ આ બધા ખોટા આરોપોનો પર્દાફાશ કરશે.’
તુમકુરુ માટે આ ખાસ દિવસ છેઃ પ્રધાનમંત્રી
આજે દેશની મોટી હેલિકોપ્ટર ફેક્ટરી તુમકુરુને પ્રાપ્ત થઈ છે. આજે તુમકુરુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશિપનો પણ શિલાન્યાસ થયો છે. તેની સાથે-સાથે તુમકુરુ જિલ્લાનાં સેંકડો ગામડાં માટે પીવાનાં પાણીની સ્કીમો પર પણ કામ શરૂ થયું છે. તુમકુરુ માટે આ ઘણો ખાસ દિવસ છે, કારણ કે અહીં હેલિકોપ્ટર ફેક્ટરી લાગી છે અને એક ઔદ્યોગિક શહેરનો પાયો નખાયો છે.
બજેટ પર પણ બોલ્યા નરેન્દ્ર મોદી
તેમણે કહ્યું કે, આ સર્વપ્રિય, સર્વહિતકારી, સર્વસમાવેશી, સર્વસ્પર્શી બજેટ છે. આ ભારતનાં યુવાઓને રોજગારના નવા અવસર આપનારું બજેટ છે. આ ભારતની નારીશક્તિની હિસ્સેદારી વધારનારું બજેટ છે.
615 એકરમાં ફેલાયેલી છે આ ફેક્ટરી
રક્ષામંત્રાલયે જણાવ્યું કે, ગ્રીનફીલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી 615 એકરમાં ફેલાયેલી છે. દેશની હેલિકોપ્ટર સંબંધિત જરૂરિયાતો માટે એક જ જગ્યાએ સામાન ઉપલબ્ધ કરાવવાના ઈરાદાથી તેને તૈયાર કરવામાં આવ્યું છે.
ફેક્ટરીમાં સૌથી પહેલાં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બનશે
ગ્રીનફીલ્ડ હેલિકોપ્ટર ભારતની સૌથી મોટી હેલિકોપ્ટર નિર્માણની ફેક્ટરી છે. શરૂઆતમાં અહીં લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર બનાવવામાં આવશે. એચએએલનાં 20 વર્ષોમાં 3-15 ટનમાં 1000થી વધુ હેલિકોપ્ટર બનાવવાની યોજના છે.

