અમદાવાદઃ અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને અમદાવાદ ખાતે ક્લાઇમેટ ચેન્જ અને તેનાથી સતત વધી રહેલી ગરમીને આવનારા સમયનો સૌથી મોટો પડકાર ગણાવ્યાં છે.
75 વર્ષીય હિલેરી ક્લિન્ટન ત્રીજી વખત ગુજરાતના અતિથિ બન્યાં છે. અગાઉ 1995, 2018માં સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન્સ એસોસિયેશન (સેવા)ની મુલાકાત કરી હતી. અગાઉની બંને મુલાકાત કરતાં આ વખતની તેમની મુલાકાત અલગ છે, કેમ કે ‘સેવા’નાં સંસ્થાપક ઇલાબહેન ભટ્ટનાં અવસાન બાદ તેઓ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આજે આ પ્રસંગે તેમણે અમદાવાદમાં ‘સેવા’ના રિસેપ્શન સેન્ટર ખાતે ‘સેવા’ અને સ્વ. ઇલાબહેન ભટ્ટ સાથેનાં સંસ્મરણો પણ તાજા કર્યાં હતાં.
‘સેવા’ સાથે સંકળાયેલી મહિલાઓને સંબોધતાં તેમણે કહ્યું કે, ‘આપણે હજુ ઘણા પડકારોનો સામનો કરવાનો છે. આ પૈકી ક્લાઇમેટ ચેન્જ અને તેનાથી ગરમીમાં થઈ રહેલો વધારો સૌથી મોટો પડકાર છે. ગરમીને કારણે આપણી રોજગારી અને આજીવિકા પર પણ અસર થાય છે.’ આ સમસ્યાના નિરાકરણ માટે હિલેરી ક્લિન્ટન દ્વારા રૂ. 400 કરોડના ફંડની જાહેરાત કરવામાં આવી, જે કામદારોને વાતાવરણના બદલાવ સામે કેવી રીતે ટકી રહેવું તેના માટેનું વૈશ્વિક ફંડ હશે. વિશ્વભરમાં મહિલાઓ માટેનું આ પ્રકારનું તે સૌપ્રથમ ફંડ બની રહેશે.
હિલેરી ક્લિન્ટને જણાવ્યું કે, ફંડ દ્વારા નવી આજીવિકા અને શૈક્ષણિક તકો ઊભી કરવામાં પણ સહાય મળશે. સોલાર પેનલ્સના ઉપયોગથી મીઠાના અગરોની કામગીરીમાં સુધારો તો થશે જ, સાથોસાથ ગામડાંઓ સુધી વીજળી પહોંચશે. એટલું જ નહીં વધારાની વીજળી ગ્રીડમાં પણ નાખી શકાશે. અમે તમને વૈશ્વિક કાર્બન માર્કેટ સાથે પણ જોડવા માગીએ છીએ. જેથી તમે આ કાર્બન ક્રેડિટની નોંધણી અને આર્થિક ઉપાર્જન કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે કામ કરી શકો.” હિલેરી ક્લિન્ટન અને તેમની પાર્ટનર સંસ્થાઓના સભ્યોએ ધાંગધ્રાના કુડા ગામ નજીક મીઠાના અગરોની મુલાકાત લીધી હતી.
હિલેરીએ અગરિયાની મહેનતને બિરદાવી
અમેરિકાનાં પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન કૂડા રણમાં આવ્યાં હતાં, જ્યાં તેમણે મહિલાઓના હાથે મીઠું મુઠ્ઠીમાં લઈને તેને પકવવાની આખી પ્રોસેસ જાણી હતી અને અગરિયાઓ સાથે બે કલાક જેટલો સમય ગાળ્યો હતો. આ સાથે પછાત મહિલાઓના વિકાસ માટે ક્લિન્ટન ફાઉન્ડેશનમાંથી 50 મિલિયન ડોલરની જાહેરાત કરી હતી. તેમણે મહિલાઓને સંબોધતાં કહ્યું, ‘તમને જેના પર કામ કરવું હોય તેના આઇડિયા આપો, આપણે એના પર કામ કરીશું.’ તેમણે રણની 37 ડિગ્રી ગરમીમાં આકાશ તરફ મીટ માંડી અગરિયા મહેનતને બિરદાવી હતી.

