મુંબઈઃ બોગસ પાસપોર્ટને આધારે પાંચ વર્ષમાં ત્રણ દેશોનો પ્રવાસ કરનારા એક વ્યક્તિની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. ખેડાના મુજીબ હસન કાઝીએ પોલીસને જણાવ્યું હતું કે તે 2010માં સ્ટુડન્ટ વિઝા પર યુ.કે. ગયો હતો. ત્યાં રહેવાની સાથે જ તે ગેરકાયદે કામ પણ કરતો હતો. તેના વિઝાની મુદત પૂરી થયા બાદ પણ તે યુ.કે.માં રોકાઇ ગયો હતો.
2018માં તે પોર્ટુગલ પહોંચી જવામાં સફળ રહ્યો હતો. અહીં તેણે એક એજન્ટની મદદથી પાસપોર્ટ મેળવ્યો હતો. ત્યારબાદ તેણે ભારતના એન્ટ્રી વિઝા મેળવ્યા હતા અને લગભગ ત્રણવાર ભારત આવ્યો હતો. આ ઉપરાંત તે ફ્રાન્સ પણ ગયો હતો. બુધવારે તે વાયા દોહા મુંબઇ પહોંચ્યો હતો તેવું પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું. કાઝી મુંબઈ એરપોર્ટ ઉતર્યો ત્યારે ઈમિગ્રેશન સત્તાવાળાઓએ તેની ધરપકડ કરી હતી.
કાઝીનો પાસપોર્ટ ફલેગ કરવામાં આવ્યો ત્યારે તેણે તેનો પોર્ટુગીઝ પાસપોર્ટ જમા કરાવ્યો હતો, જેમાં તેનું નામ સુલતાન ફકીર મોહમ્મદ હતું. ત્યારબાદ ઇમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટનો નંબર સિસ્ટમમાં ફીડ કરતાં કાઝી સામે પોર્ટુગલ સરકારે લૂકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું.
કાઝીએ 2019, 2020 અને 2022માં ભારતની મુલાકાત પણ લીધી હતી અને આ પાસપોર્ટને આધારે તે લંડન પણ ગયો હતો.

