જૂનાગઢઃ ગિરનાર પર્વત પર આવેલા દત્તાત્રેય અને અંબાજી મંદિરની આસપાસ ગંદકીના સામ્રાજય મામલે હાઇકોર્ટમાં અરજી કરાઈ છે. અરજીમાં એવી રજૂઆત કરાઈ હતી કે, મંદિરની નજીકમાં જ ગંદકી ફેલાયેલી છે જેના લીધે હજારો શ્રદ્ધાળુઓનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે. ચારેબાજુ પ્લાસ્ટિકની બોટલો અને પડીકાઓના ઢગલા થયા છે. મંદિર જેવા પવિત્ર સ્થાને પણ સ્વચ્છતા જળવાતી નથી.
મંદિર જેવા પવિત્ર સ્થાને પર સ્વચ્છતા જળવાતી નથી
હાઇકોર્ટે સરકારને એવી ટકોર કરી હતી કે, ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના મંદિર અને દત્તાત્રેય મંદિર લાખો શ્રદ્ધાળુઓનું મહત્ત્વનું સ્થાન છે. રોજેરોજ બહારથી પણ હજારો લોકો દર્શનાર્થે આવે છે, પરંતુ મંદિરની આસપાસમાં ગંદકીના એટલા બધા ઢગ છે કે દુર્ગંધથી દર્શનાર્થી ત્રસ્ત થાય છે.
ગંદકીથી શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય પણ જોખમાઈ શકે
સ્થાનિક નગરપાલિકાને અને કલેક્ટરને અનેક વખત અરજીઓ કરવા છતાં કોઈ પગલાં લેવાતાં નથી. હાઇકોર્ટે આ અનેક વખતની રજૂઆત છતાં ધ્યાન ન દેવા અંગે સરકાર અને સ્થાનિક સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં બાંધકામની મંજૂરી ન હોવા છતાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યાંયા હોવાની પણ રજૂઆત કરાઈ હતી.
શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિર જોઈ આવોઃ હાઇકોર્ટ
હાઇકોર્ટે ચીફ સેક્રેટરી, જૂનાગઢ કલેક્ટર અને જૂનાગઢ મ્યુનિ. કમિશનરને આડેહાથ લેતાં કહ્યું કે, શબરીમાલા અને વૈષ્ણોદેવી મંદિર જઈને જોઈ આવો સ્વચ્છતા મામલે કોઈ બાંધછોડ કરાશે નહીં. આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા તમામ પક્ષકારોને સોંગદનામું કરવા આદેશ કર્યો છે.

