ગોંડલઃ ગુજરાતના ક્ષત્રિય સમાજનાં ટોચના આગેવાન, ગોંડલનાં માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું સવારે 87 વર્ષની વયે નિધન થતા સમસ્ત ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી છવાઇ હતી. રીબડામાં તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીક્ળી હતી, જેમાં રીબડા, આજુબાજુના ગામ ઉપરાંત સૌરાષ્ટ્રભરના આગેવાનો, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
મહિપતસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પંચાયતનાં પ્રમુખ તરીકે કામગીરી બજાવી હતી. ત્યાર બાદ બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પ્રથમ ટર્મમાં અપક્ષ ચૂંટણી લડી જીત્યા હતા. બીજી ટર્મમાં એનસીપીના બેનર હેઠળ ચૂંટણી જીતી ધારાસભ્ય બન્યા હતા. એક સમયે ગોંડલ પંથકમાં ચડ્ડી બનિયારધારી ગેંગનો આંતક હતો. ત્યારે મહિપતસિંહે ગેંગને ઝડપીને પોલીસને હવાલે કરી ગોંડલ પંથકને આતંકથી મુક્ત કરાવ્યો હતો. મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મદિવસે પોતાના જીવતા મરસીયા સાંભળવા રીબડામાં મોટું આયોજન કર્યું હતું. મરસીયાના મોજનાં નામે યોજાયેલ કાર્યક્રમમાં મહિપતસિંહે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ મરસીયા ગાયા હતા. આ સાથે મહિપતસિંહ બાપુએ રીબડાના 111 દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.

