ચીન પર બીજી ડિજિટલ સ્ટ્રાઇકઃ 232 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ

Wednesday 08th February 2023 07:08 EST
 
 

નવીદિલ્હીઃ ભારત સરકાર દ્વારા ચીન પર ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ચાઈનીઝ લિન્ક ધરાવતી 232 એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે ચાઈનીઝ એપ પર તવાઈ ઉતારવામાં આવી છે તેમાં 138 એપ્સ સટ્ટાબાજી રમાડતી એપ્સ છે અને 94 લોન આપતી એપ્સ છે. સરકાર દ્વારા તેનાં પર તત્કાળ પ્રતિબંધ લાદીને તેને બ્લોક કરાઈ રહી છે. આ તમામ એપ્સ વિરુદ્ધ અનેક ફરિયાદો મળ્યા પછી સરકાર તેનાં પર ત્રાટકી હતી.
કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે આ તમામ એપ્સ પર પ્રતિબંધ લાદવા કેન્દ્રનાં ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયને આદેશ આપવામાં આવ્યો હતો. ભારતની જાસૂસી કરવા તેમજ ભારતીયોનાં ડેટાનો દુરુપયોગ થવાની શક્યતાને આધારે આ પગલું લેવાયું હતું. આવી એપ્સ દેશની સુરક્ષા સામે ખતરા સમાન હોવાથી પ્રતિબંધ લદાયો હતો.
લોન આપતી 94 ચીની એપ્સ સકંજામાં
કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા 6 મહિના પહેલા લોન આપવાનું કામ કરતી ચીનની 28 એપ સામે તપાસ શરૂ કરાઈ હતી. જેમાં ઈ સ્ટોર પર આવી ચાઈનીઝ 94 એપ કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. આ બધી એપ્સ અન્ય થર્ડ પાર્ટીની લિન્ક દ્વારા કામ કરતી હતી. લોકોને મોટી રકમની લોન આપીને દેવાંની જાળમાં ફસાવવાનું તે કામ કરતી હતી. આ એપ્સનો જાસૂસી તેમજ ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરવા ઉપયોગ થવાનો હતો.
અનેક ચાઇનીઝ એપ્સ જાસૂસી કરી શકે તેમ હતી તપાસ અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, અનેક ચાઈનીઝ એપ્સ જાસૂસી ઉપકરણમાં બદલાઈ શકે તેમ હતા. જેમાં સર્વર સાઈડ સિક્યોરિટીનો દુરુપયોગ થવાની શક્યતા હતી. કેટલાક એપ્સ ભારતીયોનાં મહત્ત્વનાં ડેટા ધરાવતા હતા. મોટાભાગની પ્રતિબંધિત એપ્સ ચીનીઓએ તૈયાર કરી હતી. લોન એપ્સ દ્વારા લોકોને લોન લેવા માટે લલચાવવામાં આવતા હતા અને જાળમાં ફસાયા પછી તેમનું વ્યાજ 3000 ટકા વધારી દેવાતું હતું. અનેક લોકો લોન ચૂકવવામાં કસૂરવાર ઠરે એટલે તેમને હેરાન પરેશાન કરાતા હોવાની ફરિયાદો મળી હતી.


comments powered by Disqus