ધોળાવીરાના ગૌરવાન્વિત ઇતિહાસની વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટમાં પસંદગી

Wednesday 08th February 2023 06:38 EST
 
 

ભુજઃ ધોળાવીરા યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં આવ્યા બાદ હાલ અહીં પ્રવાસીઓની સુવિધા વધારવા પર ભાર મુકાઈ રહ્યો છે. ભારત સરકારે તાજેતરમાં ધોળાવીરાને સ્વદેશ દર્શન 2.0 સ્કીમમાં સામેલ કર્યું છે. તેવામાં હવે કેન્દ્રના વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટમાં ધોળાવીરાની પસંદગી થઈ છે. જાપાનની થીમ પર ભારત સરકાર દેશના વિવિધ પ્રાચીન સ્થળ ખરેખર કેવાં હતાં તે બતાવવા વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
તેમાં પ્રથમ તબક્કામાં નાલંદા, ધોળાવીરા અને રાખીગઢીની પસંદગી કરવમાં આવી છે. એનો મતલબ કે આ પ્રોજેક્ટ અમલમાં આવ્યા બાદ પ્રવાસીઓ વર્ચ્યુઅલ રિયાલિટીની મદદથી ધોળાવીરામાં માનવસભ્યતા જીવંત હતી ત્યારે આ શહેર, તેની ગલીઓ, મકાનો, શિલ્પ-સ્થાપત્ય કેવાં હતાં તેનો ડિજિટલ અનુભવ કરી શકાશે. એક રીતે પ્રવાસીઓ પાંચ હજાર વર્ષ જૂની સિંધુ-સરસ્વતી સભ્યતાનો અનુભવ કરી શકશે.આ ત્રણ સ્થળો પર મુલાકાતીઓ ઐતિહાસિક સ્થાપત્યોની ભવ્યતાનો અનુભવ મેળવી શકશે. સંસ્કૃતિ મંત્રાલય આ સ્થળોને ડિજિટલ રીતે પુનઃનિર્માણ કરવા માટે એક વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.
 કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, એપ્રિલ સુધીમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના છે. અમે મુલાકાતીઓને ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા ઉન્નત અનુભવ આપવા ઈચ્છીએ છીએ. આજે મુલાકાતીઓ નાલંદા અને ધોળાવીરા જેવી ઐતિહાસિક વિરાસતના ખંડેર જ જોઈ શકે છે, તેના બદલે તેઓ તેના ભૂતકાળનો વૈભવ અને તેની વિશેષતાને તાદૃશ્ય કરી શકે અને તેની ભવ્યતા અનુભવી શકે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. મોહને સાથે ઉમેર્યું હતું કે, સૌપ્રથમ નાલંદાથી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી રહી છે, ત્યાર બાદ તબક્કાવાર હરિયાણાની રાખીગઢી અને ગુજરાતની ધોળાવીરા જેવી સાઇટ્સ માટે પણ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
હાલ પ્રવાસીઓ મોબાઇલ ગાઇડથી માહિતી મેળવી શકે છે
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે દેશભરના પસંદ કરાયેલા મહત્વપૂર્ણ સ્થળો પર મોબાઇલથી ગાઇડની સુવિધા શરૂ કરી છે. જેમાં પણ ધોળાવીરાનો સમાવેશ કરાયો છે. હાલ ઓડિયો ઓડિગોસ નામની એપ્લિકેશનની મદદથી પ્રવાસીઓ ધોળાવીરા જઈને એક એક સ્થળ વિશે માહિતી મેળવી શકે છે. ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા જ પીપીપીના માધ્યમથી આ સેવા શરૂ કરી છે. જો કે તેનો પ્રચાર-પ્રસાર થયો ન હોવાથી મોટાભાગના લોકો અજાણ છે.


comments powered by Disqus