અયોધ્યાઃ અયોધ્યામાં રામમંદિરનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે નેપાળથી 373 કિ.મી.ની 7 દિવસની યાત્રા બાદ બે વિશાળ શાલીગ્રામની શિલા અયોધ્યા પહોંચી ચૂકી છે, જેને નેપાળની કાળી એટલે કે ગંડકી નદીમાંથી લાવવામાં આવી છે. આ શાલીગ્રામ શિલાથી ભગવાન રામ અને માતા સીતાની પ્રતિમા બનાવવામાં આવશે. 2 જાન્યુઆરીએ ગુરુવારે સવારે શિલા પહોંચતાં જ રામસેવકપુરમ્ ખાતે 51 વૈદિક બ્રાહ્મણોએ શાલીગ્રામ શિલાની પૂજા કરી હતી. 6 કરોડ વર્ષ જૂની શાલીગ્રામ શિલામાંથી ભગવાન રામ અને સીતાની મૂર્તિ બનાવવામાં આવશે, જેને રામદરબારમાં સ્થાપિત કરવામાં આવશે. સરયુ નદીના પુલ પરથી 2થી 3 હજાર લોકોએ શિલા પર ફૂલ વરસાવીને ઢોલ-નગારાં સાથે સ્વાગત કર્યું હતું.
અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય, ડો.અનિલ મિશ્રા, મેયર ઋષિકેશ ઉપાધ્યાયે રામસેવકપુરમ્ ખાતે શિલાઓને મુકાવી હતી. ત્યાર બાદ શિલાની સુરક્ષા માટે પોલીસને તહેનાત કરવામાં આવી છે.
મૂર્તિ બનાવવા માટે શિલ્પકારોને બોલાવાયા
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું કે, ભગવાન શ્રીરામના મંદિરમાં કેવા પ્રકારની મૂર્તિ બનાવવી જોઈએ અને કયા પથ્થરમાંથી આ મૂર્તિ બનાવવી જોઈએ, તે બાબતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વિચારી રહ્યું છે. આ માટે દેશભરમાંથી શિલ્પકારોને બોલાવીને તેમનાં મંતવ્યો જાણવામાં આવશે. ભગવાનની મૂર્તિમાં દર્શાવાતા ભાવ કેવા હોવા જોઈએ, તેના પર ઊંડાણપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે.નેપાળ બાદ ઓડિશા અને કર્ણાટકમાંથી પણ શિલાઓ અયોધ્યા આવશે. તમામ શિલાઓ એકત્રિત કર્યા પછી નિષ્ણાતોની સલાહ બાદ જ ગર્ભગૃહની મૂર્તિ કયા પથ્થરમાંથી બનાવવામાં આવશે તેનો નિર્ણય લેવામાં આવશે.
મૂર્તિઓ બનાવીને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે
માહિતી અનુસાર તમામ શિલાની તપાસ કર્યા પછી તેમાંથી એકનો ઉપયોગ ગર્ભગૃહની ઉપર પહેલા માળે બનાવવામાં આવનારા દરબારમાં શ્રીરામની મૂર્તિના નિર્માણ માટે કરવામાં આવશે. સાથે જ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિ પણ આ શિલામાંથી બનાવવામાં આવશે. ગર્ભગૃહમાં હાલમાં શ્રીરામ સહિત ચારેય ભાઈ બાળસ્વરૂપમાં બિરાજમાન છે.
હાલમાં સ્થાપિત મૂર્તિ નાની હોવાના કારણે ભક્તો દર્શન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, કહેવામાં આવી રહ્યું છે કે, આ મૂર્તિઓનું એક મોટું સ્વરૂપ બનાવવામાં આવશે. જો કે આ અંગે હજુ ચર્ચા ચાલી રહી છે. મંદિર પ્રશાસન દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
બંને શિલાઓ 6 કરોડ વર્ષ જૂની છે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ એક વર્ષથી આ શિલાઓને લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. નેપાળના જનકપુરની કાલી નદીમાંથી આ શિલાઓને બહાર કાઢવામાં આવી હતી. 26 જાન્યુઆરીએ વિધિવિધાન બાદ શિલાને અયોધ્યા મોકલવામાં આવી હતી. આ દરમિયાન તે બિહારના રસ્તે થઈને યુપીના કુશીનગર અને ગોરખપુર થઈને બુધવારે રાત્રે અયોધ્યા પહોંચી છે. એક શિલાનું વજન 26 ટન છે, જ્યારે બીજી શિલાનું વજન 14 ટન છે. માનવામાં આવે છે કે આ શિલાઓ 6 કરોડ વર્ષ જૂની છે.
2023માં બનીને તૈયાર થઈ જશે રામમંદિર
મંદિર પ્રશાસનનું માનીએ તો ભગવાન રામના મંદિરનું નિર્માણ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. એવામાં કાર્યશાળામાં રામમંદિર નિર્માણકાર્ય માટે પથ્થરોની કોતરણીનું કામ કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. ઓગસ્ટ 2023 સુધી ભગવાન શ્રીરામના મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર થઈ જશે. ટ્રસ્ટે દાવો કરતાં જણાવ્યું કે, રામલલ્લાનું મંદિર 1000 વર્ષ સુધી પ્રતિકૂળ વાતાવરણમાં પણ સુરક્ષિત રહેશે.

