પૌત્રીના પ્રેમે તોડ્યા ભાષાના વાડાઃ 60 વર્ષે વૃદ્ધા શીખ્યાં અંગ્રેજી

Wednesday 08th February 2023 06:15 EST
 
 

સુરતઃ અશક્ત માણસને પણ પ્રેમ એટલું પ્રોત્સાહન પૂરું પાડે છે કે તે કંઈપણ કરી જાય છે. કંઈક આવું જ બન્યું સુરતમાં રાંદેરના ગોરાટ રોડ પર રહેલાં 60 વર્ષનાં વૃદ્ધા અફસાના ગોડિલ સાથે. ત્રણ દીકરીઓનાં લગ્ન બાદ પતિ સાથે અફસાના એકલાં જ રહેતાં હતાં. જો કે તેમના પતિનું પણ કોરોનાકાળમાં અવસાન થતાં તેઓ એકલવાયું જીવન જીવતાં હતાં. આ સંજોગોમાં તેમને પ્રેમ અને હૂંફની ખૂબ જરૂર હતી, પરંતુ તેમની સાથે કોઈ હતું જ નહીં. લગ્ન કરી બે દીકરીઓ વિદેશ સ્થાયી થઈ હતી, જ્યારે એક દીકરી સુરતમાં જ અન્ય સ્થળે સ્થાયી થઈ હતી.
વિદેશમાં સ્થાયી થયેલી દીકરીઓ સાથે તો તેઓ ક્યારેક વાત કરી લેતાં હતાં, પરંતુ તેમના પૌત્રીઓ ગુજરાતી કે હિન્દી જાણતાં ન હોવાથી તેમની સાથે વાત કરવામાં તેઓ અસમર્થ હતાં, જેમનું તેમને દુઃખ હતું. પૌત્રીઓ સાથે પોતાની લાગણી વ્યક્ત કરવામાં અસમર્થ અફસાનાબહેન આ વાતને લઈને નિરાશ ન થઈ અંગ્રેજીના ક્લાસીસમાં જોડાયાં અને અંગ્રેજી શીખ્યાં. પૌત્રીઓ સાથે શાબ્દિક લાગણી વ્યક્ત કરવાની તેમની ઇચ્છા એટલી બળવતર બની તે તેઓ એક મહિનામાં જ કડકડાટ અંગ્રેજી શીખી ગયાં. અમુક શબ્દો શીખ્યા બાદ તેઓએ વિદેશ રહેતી પૌત્રીઓને પહેલો કોલ કરીને કહ્યું હતું, ‘હાઉ આર યુ ડીઅર.’ નાનીનું અંગ્રેજી સાંભળીને પૌત્રીઓ ખુશ થઈ ગઈ હતી. આજે એ સ્થિતિ છે કે, અસફાનાબહેન એક-એક કલાક સુધી પૌત્રીઓ સાથે વાત કરે છે.
અસફાનાબહેન કહે છે કે, ‘હું એકલી જ રહું છું. દીકરીઓ સાથે તો વાત કરી લેતી હતી, પરંતુ પૌત્રીઓ સાથે વાત કરવામાં તકલીફ પડતી હતી. એક નાની તરીકે મારે પૌત્રીઓ પ્રત્યે વિશેષ હેત હોય એ સ્વાભાવિક છે. તેઓ અંગ્રજી બોલતાં હોઈ મેં પણ નક્કી કર્યું કે હું પણ અંગ્રેજી શીખીને તેમની સાથે વાત કરીશ. મારા પતિની પણ ઇચ્છા હતી કે હું અંગ્રેજી શીખું.


comments powered by Disqus