નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં અમેરિકાનો પ્રવાસ કરે તેવી શક્યતા છે. દિલ્હી સરકાર દ્વારા બાઇડન તંત્ર દ્વારા અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરવા સાથે પ્રવાસ કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે, બાઇડન તંત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના પ્રવાસનું આમંત્રણ અપાતાં બંને દેશોના અધિકારીઓ શિડ્યુલ તૈયાર કરવા લાગ્યા છે.
જૂન-જુલાઈની તારીખો પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ સમયગાળામાં અમેરિકામાં સેનેટ તથા પ્રતિનિધિસભા યોજાતી હોય છે, તેવી જ રીતે વડાપ્રધાન મોદીનું કોઈ આંતરરાષ્ટ્રીય શિડ્યુલ પણ નથી. અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્ર, વ્હાઇટ હાઉસમાં ડીનર જેવા કાર્યક્રમો સામેલ કરવાના થતા હોવાથી સમગ્ર સમયપત્રક વહેલું તૈયાર કરવાનું રહે છે.
વડાપ્રધાન મોદીને અમેરિકા પ્રવાસનું નિમંત્રણ આપવા અંગે અમેરિકા અને ભારતના વહીવટી તંત્ર દ્વારા સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે. સૂત્રોના કહેવા પ્રમાણે વડાપ્રધાન મોદી માટે આગામી સપ્ટેમ્બર મહિનો સૌથી વ્યસ્ત રહેવાનો છે. ભારત જી-20નું યજમાન છે અને સપ્ટેમ્બરમાં શિખર સંમેલન યોજાવાનું છે તેમાં અમેરિકી પ્રમુખ સહિતના દેશોના નેતાઓ સામેલ થશે. ત્યારબાદ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના પ્રચારમાં તેઓ વ્યસ્ત થઈ જશે.

