રાપરમાં 1008 શિવલિંગ સાથે 27 નક્ષત્રવાળું વૃક્ષ રોપાશે

Wednesday 08th February 2023 06:39 EST
 
 

ભુજઃ રાપર તાલુકાના કાનપર ગામે ગુજરાતમાં સૌપ્રથમ 27 નક્ષત્રવાળા ઝાડ અને 1008 શિવલિંગ ધરાવતું પાટીદારો દ્વારા નિર્મિત લિંગ માતાજીનું મંદિર આકાર લઇ રહ્યું છે. સમગ્ર કચ્છ વાગડ લેઉઆ પાટીદાર પરિવારના સહયોગથી બની રહેલા મુખ્ય મંદિરની સાથે અન્ય દેવી-દેવતાના મંદિર પણ બનાવાશે. 1,72,000 સ્કવેર ફૂટમાં મંદિર નિર્માણ પામશે. લિંગ માતાજીના સાધકો દેશભરમાં છે.પણ મૂળ તેઓ વાગડ રાપર તાલુકાના કોનપર ગામના નિવાસી છે. મુખ્ય દાતા મૂળ કાનપરના અને હાલ મુંબઈમાં રહેતા ઉદ્યોગપતિ હરેશભાઇ ગામીએ વિગતો આપતાં કહ્યું હતું કે, તેમને સ્વપ્નમાં મંદિર બનાવવા લિંગ માતાજીએ કહેતા પોતાની વાડીમાં દાતાઓના સહયોગથી ગત 2021ના માર્ચ મહિનાથી મંદિર નિર્માણ શરૂ કર્યું હતું. વિશાળ મંદિર ચાર એકર જમીન ઉપર બની રહ્યું છે અને સાર્વજનિક હોઈ કોઈપણ દાતા રૂમ, હોલ, ગેટ, નાના નાના મંદિરો, 27 નક્ષત્રોના ઝાડ, રેતી, કપચી, વગેરે માટે આર્થિક સહયોગ આપી શકે છે. ઇચ્છુક દાતાને તેમના મો.નં. 70451 35293 ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું. મંદિરનુ 60% ટકા કામ પૂરું થઈ ગયું છે . આગામી બે ત્રણ વર્ષમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાશે તેવું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હજુ સુધી લિંગમાતાજીનો ઉલ્લેખ ક્યાંયે નજરે ચડતો નથી, ઉદ્યોગપતિનું પણ કહેવું છે કે મંદીર ‘લિંગમાતાજીનું’ એ નામ આપવાની પ્રેરણા એમને સપનામાં થઇ છે.
પ્રવેશદ્વાર પાસે અન્ય દેવી- દેવતાનાં મંદિર બનશે
મંદિરમાં સાત ગેટ હશે જેમા મુખ્ય પ્રવેશદ્વાર પાસે આઠ નાના મંદિરો હશે. ગણપતિ,ભૈરવનાથ, કાત્યાયનીમા, અંબાજી, કૃષ્ણ ભગવાન,કાળ ભૈરવ, નવ ગ્રહના દર્શન થઇ શકશે. 350 કિલોનો ઘંટ, 27 નક્ષત્ર વાળું વૃક્ષ, પહેલા માળે લક્ષ્મી માતાજી, વિષ્ણુ ભગવાન, કાળકા માતાજી, સીતા- રામ, હનુમાનજીના મંદિર બનશે, આઠમા દ્વાર ૫૨ જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશનુ પંચલિંગ ત્યાર બાદ લિંગ માતાજીના મુખ્ય મંદિર દર્શન થશે.
27 નક્ષત્રવાળા વૃક્ષ સાથેનું મંદિર માત્ર તામિલનાડુમાં છે
27 નક્ષત્ર વાળા ઝાડનું મંદિર માત્ર તામિલનાડુમાંજ છે. આમ ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારના વૃક્ષ સાથેનું મંદિર નિર્માણ પામશે. પરિસરમાં 21 રૂમ, રસોડું, સત્સંગ હોલ સહિતની સુવિધાઓ પણ વિક્સાવવામાં આવી રહી છે. કુલ 48 દેવી-દેવતાની સ્થાપના કરવામાં આવશે.


comments powered by Disqus