અમદાવાદઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે બીજા તબક્કામાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદરથી આસામ સુધીની યાત્રા કરે તેવી શક્યતા છે. જો કે આ યાત્રા પદયાત્રા સ્વરૂપે નહીં હોય તેમ ગુજરાત કોંગ્રેસનાં સૂત્રો કહે છે. અલબત્ત હજુ સુધી આ યાત્રા અંગે હાઇકમાન્ડે લીલી ઝંડી આપી નથી. આગામી સમયમાં આ અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે.
દેશમાં નફરતના ઊભા થયેલા માહોલ સામે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. હવે બીજા તબક્કામાં ગુજરાતના પોરબંદરથી આસામ સુધીની યાત્રા યોજાય તેવો વર્તારો છે. આગામી દિવસોમાં છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસની મહત્ત્વની બેઠક બોલાવાઈ છે, જેમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આગામી કાર્યક્રમો ફાઇનલ થવાના છે. ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરી છે. સાતમી ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી પાલડી સુધીની પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતમાં વારંવાર પેપરલીકની ઘટનાઓ બની છે તે મુદ્દે વિરોધ પ્રદર્શિત કરાશે.

