આણંદઃ આણંદ પાસેના ગાના ગામે રહેતો અને રૂ. 13 લાખની ઉચાપતના એનઆરઆઈ આરોપીને આણંદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે તેના ઘરેથી ઝડપી લીધો હતો. ઉચાપતમાં નામ ખૂલ્યા બાદ ઈસમ અમેરિકા ભાગી ગયો હતો, જે પરત ફરતાં જ પોલીસે તેને ઝડપ્યો હતો.
ગાના ગામ સ્થિત દાદાની પોળ ખાતે હરિકૃષ્ણ ઉર્ફે બુધાલાલા પટેલ રહે છે. તેઓ વર્ષ 2007થી વર્ષ 2009 દરમિયાન અમૂલ સહકારી મંડળીમાં ફરજ બજાવતો હતો. દરમિયાન પશુપાલકોના પૈસાની તેણે ઉચાપત આચરી હતી. ઓડિટ દરમિયાન રૂ. 13 લાખની માતબર રકમની ઉચાપત આચરી હોવાનું બહાર આવ્યું હતું. જો કે બીજી તરફ સમગ્ર મામલે આણંદ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં હરિકૃષ્ણની સંડોવણી ખૂલી હતી.
દરમિયાન, વર્ષ 2011માં તે અમેરિકા ભાગી ગયો હતો. આમ સમગ્ર મામલે એક આરોપીની ધરપકડ થઈ હતી, પરંતુ એક શખ્સની ધરપકડ બાકી હતી. થોડા સમય પહેલાં જ તે ભારત આવ્યો છે અને તેના ઘરે રોકાયો છે તેવી માહિતી આણંદ ગ્રામ્ય પોલીસને મળતાં જ પોલીસે તેના ગાના સ્થિત ઘરેથી ઝડપી પાડ્યો હતો. જેને કોર્ટમાં રજૂ કરાતાં તેનો જામીન પર છુટકારો થયો હતો.

