સુરતઃ ખૂબ ઝડપથી આગળ વધી રહેલા સુરતના લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્રીય બજેટમાં મોટી જાહેરાત કરાઈ છે. સુરતના હીરા ઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડ બનાવવા ઉપયોગી સીડ્સ વિદેશથી આયાત કરે છે, જેના પર 5 ટકા લેખે ઇમ્પોર્ટ ડ્યૂટી લાગુ પડે છે તેને બજેટમાં દૂર કરવામાં આવી છે. આ સાથે જ સુરતના હીરાઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડની દિશામાં આત્મનિર્ભર બને તે માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આઇટીઆઇને પાંચ વર્ષ સુધી ગ્રાન્ટ આપવાની જાહેરાત પણ કરી હતી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વિકાસ અને આત્મનિર્ભર બનાવવા માટે કરેલી જાહેરાતને હીરાઉદ્યોગકારોએ વધાવી લીધી હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી આશરે 1 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે. લેબોરેટરીમાં સિન્થેટિક ડાયમંડ માટે ચીનથી સીડ્સ આયાત કરવામાં આવે છે, જેના પર પાંચ ટકા લેખે ઇમ્પોર્ટ ડ્યૂટી ચૂકવવી પડતી હતી. સુરતના હીરાઉદ્યોગકારો દ્વારા આ અંગે કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ હતી. કેન્દ્ર સરકારે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વિકાસને ધ્યાને રાખી તેના સીડ્સ પરથી 5 ટકાની ડ્યૂટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. જેથી લેબગ્રોન ડાયમંડની કિંમત ઘટતાં વેપારમાં લાભ થશે.
એફોર્ડેબલ જ્વેલરી તરીકે વિદેશમાં માગ
સુરતમાં નેચરલ હીરાની જેમ સિન્થેટિક ડાયમંડ ઇન્ડસ્ટ્રી પણ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં લેબગ્રોન ડાયમંડની નિકાસમાં વધારો થઇ રહ્યો છે. લેબગ્રોન ડાયમંડની કિંમત નેચરલ ડાયમંડ કરતાં ઓછી હોવાથી અને મધ્યમ વર્ગના લોકો માટે એફોર્ડેબલ હોવાથી ડિમાન્ડ વધી રહી છે. વર્ષ 2022-23માં ડિસેમ્બર સુધી 1330.18 મિલિયન ડોલરના લેબગ્રોનની નિકાસ થઇ હતી જે નાણાકીય વર્ષ 2021-22 કરતાં 44 ટકા વધારે છે. સુરતના હીરાઉદ્યોગકારો લેબગ્રોન ડાયમંડમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ કરી વૈશ્વિક સ્પર્ધાએ પ્રતિસ્પર્ધા કરી શકે તે માટે આઇઆઇટી મદ્રાસને પાંચ વર્ષ સુધી ડેવલપમેન્ટ ફંડ આપવાની જાહેરાત કરી છે.

