સૌરાષ્ટ્ર યુનિ. પેપરલીકમાં રૂપાણીના દીકરાની કોલેજનું નામ

Wednesday 08th February 2023 05:01 EST
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર મહિનામાં લેવાયેલી બીબીએ અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષામાં તા.13 ઓક્ટોબરની આગલી રાત્રે પેપર ફરતા થઈ ગયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનાં પેપર ફૂટવાના મામલામાં 111 દિવસ બાદ યુનિવર્સિટીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બંને પેપર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના કોર્પોરેટર ડો.નેહલ શુક્લની એચ.એન. શુક્લ કોલેજમાંથી ફૂટ્યાનો ધડાકો થતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવાની કવાયત શરૂ કરી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તા.13 ઓક્ટોબરે બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ (નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1 વિષયની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ તા.12 ઓક્ટોબરની રાત્રે બંને વિષયના પેપર ફરતાં થઈ ગયાં હતાં. બી.બી.એ.નું પેપર લીક થયાની યુનિવર્સિટીના સત્તાધીશોને તે રાત્રે જ જાણ થઈ જતાં તા.13મીએ સવારે બી.બી.એ. નું નવું પેપર પરીક્ષા કેન્દ્રમાં મોકલી અપાયું હતું અને તેની પરીક્ષા યથાવત્ રાખવામાં આવી હતી, પરંતુ બી.કોમ.નું પણ પેપર લીક થયું હોય અને આ મામલે યુનિવર્સિટી તંત્ર નિદ્રાવસ્થામાં રહેતા બી.કોમ.નું તે પેપર રદ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ સામે અનેક સવાલો ઊઠ્યા હતા, પરંતુ કોઈ કારણસર ફરિયાદ નોંધવામાં આવતી નહોતી જે બાબત શંકાસ્પદ હતી. અંતે તા.1 ફેબ્રુઆરીએ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અમિત પારેખે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે એચ.એન. શુક્લ કોલેજના કર્મચારી તથા અન્યનાં નામ તપાસમાં ખૂલી શકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પેપર ફોડવા અંગે જે કોલેજ સામે ફરિયાદ કરી છે તે એચ.એન.શુક્લ કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજા ડો.મેહુલ રૂપાણી અને ભાજપના જ કોર્પોરેટર ડો.નેહલ શુક્લ ટ્રસ્ટી છે. પેપર ફોડવામાં ભાજપના જ ટોચના નેતાઓની કોલેજની વરવી ભૂમિકા બહાર આવતા ચકચાર મચી ગઇ હતી, ગાંધીગ્રામ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુનો નોંધાતા જ કોલેજના કર્મચારીઓ અને ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવશે અને તપાસને અંતે જવાબદારની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.


comments powered by Disqus