નવીદિલ્હીઃ ભારતના સ્વદેશી બનાવટના વિમાન લાઇટ કોમ્બોટ એરક્રાફ્ટ (એલસીએ - નેવી)ને સોમવારે વિમાનવાહક જહાજ આઇએનએસ વિકાન્તમાં ચઢાવાયું. નૌકાદળે આ અદ્ભૂત કામગીરીને એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવી છે. નૌકાદળના પાઇલોટોએ આ મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડી. નૌકાદળે આ પ્રસંગે જારી કરેલી એક યાદીમાં જણાવાયું છે કે, નૌકાદળના પાઇલોટોએ એલસીએ (નેવી)ને આઇએનએસ વિક્રાન્ત (જહાજ)માં ચઢાવ્યું ત્યારે આત્મનિર્ભર ભારતની દિશામાં એક ઔતિહાસિક સીમાચિહ્ન અંકિત થયું. આના પરથી ઘરઆંગણે બનાવાયેલા ફાઇટર વિમાનને સ્વદેશી બનાવટના વિમાનવાહક જહાજમાં ચઢાવી શકવા સંબંધી ભારતની ક્ષમતા ઉપરાંત એવા વિમાનવાહક જહાજના બાંધકામ તેમજ એના સંચાલન સંબંધી દેશની ક્ષમતાનો પરિચય મળી રહે છે, એમ નૌકાદળની યાદીમાં ઉમેરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બરમાં ભારતના પ્રથમ સ્વદેશી બનાવટના વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાન્તને ભારતીય નૌકાદળમાં સામેલ કર્યું ત્યારે દેશ, 40,000 ટનથી વધુ વજનના વિમાનવાહક જહાજના ઉત્પાદન માટે સક્ષમ એવા રાષ્ટ્રોના ચુનંદા જૂથનો સભ્ય બન્યો. આ વિમાનવાહક જહાજ ભારત-પેસિફિક ભાગમાં શાંતિ અને સ્થિરતાની સ્થાપનામાં ભૂમિકા ભજવશે, એમ નૌકાદળે ત્યારે આશા વ્યક્ત કરી હતી.

