અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચિક્કીના પ્રસાદ સામે ભક્તોનો વિરોધ

Wednesday 08th March 2023 03:23 EST
 
 

બનાસકાંઠાઃ અંબાજી મંદિરમાં મોહનથાળના ભોગ-પ્રસાદને બંધ કરવાથી ભક્તોમાં અને અંબાજીના ભૂદેવોએ અસંતોષ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. ભક્તોએ કહ્યું કે, વર્ષોથી જે પરંપરા ચાલતી આવે છે, જેને બદલવી જરાપણ યોગ્ય નથી.
માતા અંબાનાં દર્શન કરવા દૂરદૂરથી આવતા ભક્તો અને અંબાજીના ભૂદેવોએ તંત્રના આ નિર્ણયનો વિરોધ નોંધાવી મોહનથાળનો પ્રસાદ યથાવત્ રાખવા માગણી કરી છે. મોહનથાળનો પ્રસાદ બંધ કરાતાં તેની સાથે જોડાયેલા 150થી વધુ લોકો હાલમાં બેરોજગાર બની ગયા છે, જે ભાદરવી પૂનમ દરમિયાન 1500 જેટલા લોકો બેકાર બન્યા છે. અંબાજી મંદિરે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લેવાતાં હિન્દુ સંગઠનો દ્વારા 48 કલાકનું અલ્ટિમેટમ અપાયું.
500 વર્ષથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ જ ધરાવાય છે. દેશની આઝાદી બાદ અંબાજી મંદિરનો સ્ટાફ પોતે જ મોહનથાળનો ભોગ બનાવતો હતો અને પેકિંગનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. જે બાદ સમયાંતરે 2014માં ટેન્ડર વિના મોહનથાળનો ભોગ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. ટેન્ડર વિના પ્રસાદનો કોન્ટ્રાક્ટ અપાતાં આ મામલો હાઇકોર્ટમાં ગયો હતો, ત્યારે તેના પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. જો કે 2018માં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર પ્રક્રિયા બાદ મોહિની કેટરર્સને અપાયો હતો.
બનાસકાંઠા કલેક્ટરે જણાવ્યું કે, દેશવિદેશમાં જતા મા અંબાનો પ્રસાદ વધારે સમય જતાં બગડી જતો હતો, જેથી ચિક્કીનો પ્રસાદ અપાશે.


comments powered by Disqus